નવી દિલ્હી : રેલવે દ્વારા હવે વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓને ટ્રેનમાં મુસાફરી કરવા માટે વધારે રાહત આપવાની જાહેરાત કરી દીધી છે. આના કારણે મોટી સંખ્યામાં મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને લાભ થશે. રેલવે દ્વારા હવે મેઇલ, એક્સપ્રેસ, રાજધાની અને ડુરેન્ટો જેવી ટ્રેનોમાં વરિષ્ઠ નાગરિકો અને મહિલા યાત્રીઓને લોઅર બર્થ અથવા તો નીચેની સીટ પર ક્વોટામાં વધારો કરી દેવામાં આવ્યો છે. રેલવે દ્વારા આ સંબંધમાં આદેશ જારી કરવામાં આવી ચુક્યો છે.
હાલમાં વરિષ્ઠ નાગરિકો, ૪૫ વર્ષ અથવા તો તેનાથી ઉપરની મહિલાઓ અને સગર્ભા મહિલા માટે ટ્રેનના એસી-૩ અને એસી-૨ ટાયરમાં ૧૨ લોઅર બર્થ નિર્ધારિત છે. રાજધાની, ડુરેન્ટો અને અન્ય પૂર્ણ રીતે એસી ટ્રેનોમાં આના માટે રિઝર્વ સીટોની સંખ્યા સાત રાખવામાં આવી છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યુ છે કે આ મામલાની સમીક્ષા કરવામાં આવી રહી છે. સાથે સાથે એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે વરિષ્ઠ નાગરિકોને વધારે રાહત આપવાની જરૂર છે. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે બોર્ડે ક્વોટામાં સુધારો કરીને કેટલીક વધારે રાહત આપી દીધી છે.
ભારતીય રેલવે દ્વારા યાત્રીઓને વધુને વધુ સુવિધા મળે તે હેતુથી હાલમાં અનેક પગલા લેવામાં આવી ચુક્યા છે. દેશમાં રેલવે યાત્રીઓની સંખ્યા ખુબ વધારે છે. આવી સ્થિતીમાં રેલવે તરફ સતત ધ્યાન આપવામાં આવે છે. ટ્રેનો અને રેલવે સ્ટેશનો ખાતે સ્વચ્છતા પર પણ હવે ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ છે. સીટોની સંખ્યામાં પણ કેટલીક ટ્રેનોમાં વધારો કરવામાં આવ્યો છે.