નવીદિલ્હી : નાણામંત્રી અરુણ જેટલીએ નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા હાથ ધરવામાં આવેલા સફળ આતંકવાદ વિરોધી ઓપરેશનની પ્રશંસા કરી હતી. જેટલીએ પ્રશ્ન કરતા કહ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન પર નજર રાખવાની બાબત વગર આ બાબત શક્ય ન હતી. એનઆઈએ દ્વારા ટેરર મોડલનો પર્દાફાશ કરી દીધો છે. એનઆઈએ દ્વારા દિલ્હી પોલીસ અને ઉત્તરપ્રદેશ એટીએફની મદદથી આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું.
જેટલીએ આ કામ માટે એનઆઈએની પ્રશંસા કરતા કહ્યું છે કે, આનો ઉપયોગ આઈટી એક્ટ હેઠળ ગૃહમંત્રાલયના હાલના નિર્ણયને લઇને ઉભા થયેલા વિવાદ બાદ સફળ ઓપરેશન થયું છે. કેન્દ્ર સરકારે કેટલીક સંસ્થાઓને એવી સત્તા આપી હતી કે, શકમંદોના ફોન ટેપ કરવામાં આવે. તેમની ગતિવિધિ ઉપર નજર રાખવામાં આવે, કોઇપણ કોમ્પ્યુટર ડેટાને ખોલવાની મંજુરી પણ અપાઈ હતી. કોંગ્રેસ સહિત વિરોધ પક્ષોએ આને લઇને પ્રાઇવેસીનો મુદ્દો ઉઠાવીને સરકારની ઝાટકણી કાઢી હતી.
જેટલીએ આજે ટ્વિટ કરીને કહ્યું હતું કે, સૌથી વધુ ફોન ટેપિંગની પ્રક્રિયા યુપીએના શાસનમાં થઇ હતી. રાષ્ટ્રીય સુરક્ષા સૌથી સર્વોચ્ચ બાબત છે. જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા માત્ર મજબૂત લોકશાહી દેશમાં સુરક્ષિત રહેશે. આતંકવાદી પ્રભુત્વવાળા દેશમાં આ બાબત સુરક્ષિત રહેશે નહીં. ગયા સપ્તાહમાં જ ફોન ટેપિંગ અને જાસુસીને લઇને હોબાળો થયો હતો. જેટલીએ દરોડાની કાર્યવાહી બદલ એનઆઈએની પ્રશંસા કરી હતી. કોમ્પ્યુટર જાસુસીના આદેશનો બચાવ કર્યો હતો.