નવીદિલ્હી : ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં એનઆઈએ અને ઉત્તરપ્રદેશ એટીએસ દ્વારા આજે સફળ કાર્યવાહી કરવામાં આવી હતી જેના ભાગરુપે આતંકવાદી નેટવર્કનો પર્દાફશ થયો છે. ત્રાસવાદીઓના ઓપરેશનને ઓપરેશન બરબાદી કનેક્શન નામ આપવામાં આવ્યું હતું. આ ઓપરેશન ખુબ જ ગુપ્તરીતે હાથ ધરવામાં આવ્યું હતું. એનઆઈએ અને એટીએસની ટીમે આતંકવાદી ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ અમરોહાના નૌગામા સાદાત પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સૈદપુર ઇમ્મા સહિત અનેક જગ્યાઓએ દરોડા પાડ્યા હતા. પકડી પાડવામાં આવેલા આતંકવાદીઓ આઈએસના નવા મોડ્યુલ હરકત ઉલ હર્બ ઇસ્લામ મારફતે કામ કરી રહ્યા હતા. આ સમગ્ર કાવતરાની પાછળ માસ્ટરમાઇન્ડ તરીકે મુફ્તી સોહેલ રહેલો છે.
મુખ્ય આરોપી મુફ્તી સોહેલ મુખ્યરીતે અમરોહાનો નિવાસી છે. એનઆઈએની તપાસ બાદ સ્પષ્ટ થઇ ગયું છે કે, દિલ્હીમાં રહીને મફ્તી સોહેલ દેશને હચમચાવી મુકવા માટેની યોજના તૈયાર કરી રહ્યો હતો. બે મહિના પહેલા મોતના અડ્ડા તરીકે દિલ્હીને બનાવી દેવા માટે અમરોહાની પસંદગી કરવામાં આવી હતી. પોતાના ઓપરેશન બરબાદીને અમરોહાથી ઓપરેટ કરવાની યોજના તૈયાર કરાઈ હતી. આકાઓના ઇશારે આ સમગ્ર પ્રક્રિયા ચાલી રહી હતી.
૧૪ દિવસ પહેલાથી જ કાર્યવાહી શરૂ થઇ હતી. એનઆઈએ અને એટીએસે આજે સવારે પશ્ચિમ ઉત્તરપ્રદેશના અનેક શહેરોમાં કાર્યવાહી હાથ ધરી હતી. અમરોહાના મોહલ્લા મુલ્લાનામાં કાર્યવાહી દરમિયાન સોહેલ પુત્ર હાજી ઝડપાઈ ગયો હતો. તેના અન્ય સગાસંબંધીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. મુફ્તી સોહેલના પરિવારના લોકો થોડાક સમય પહેલા દિલ્હીના જાફરાબાદમાં આવી ગયા હતા. સોહેલને મદરેસા જામા મસ્જિદ અમરોહા અને દેવબંધમાં અભ્યાસ કર્યો હતો.