અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડયા ફરી વિવાદમાં ઘેરાયા છે. એબીવીપીના કાર્યક્રમમાં કુલપતિ હિમાંશુ પંડયા દ્વારા હાજરી આપવા સામે એનએસયુઆઇ દ્વારા જારદાર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. બીજીબાજુ, યુનિવર્સિટીની દિવાલ, કુલપતિની ઓફિસ બહાર આરએસએસ ઘર, આરએસએસ-બીજેપીના દલાલ સહિત વિવાદીત લખાણ લખવામાં આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. કુલપતિના ઘરની દિવાલ પર કાળી સાહીથી લખાણ લખાયા હતા. જેને પગલે ભારે ખળભળાટ મચી જતાં યુનિવર્સિટી સત્તાવાળાઓએ તાબડતોબ તમામ લખાણો પર સફેદ કલર મરાવડાવી આ વિવાદીત લખાણો દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. જા કે, કુલપતિના ઘર અને ઓફિસની બહાર લખાયેલા આપત્તિજનક લખાણોને લઇ એક નવો વિવાદ સામે આવ્યો છે.
યુનિવર્સિટી સત્તાવાળાઓ દ્વારા પણ હવે આ લખાણો કયા તત્વો દ્વારા લખવામાં આવ્યા તે મામલે સીસીટીવી ફુટેજ સહિતની કડીઓના આધારે તપાસ હાથ ધરાઇ છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડયાના ઘર અને ઓફિસની બહાર લખાયેલા આપત્તિજનક અને ગંભીર લખાણોમાં તેમને આરએસએસ-ભાજપના દલાલ ગણાવાતાં શૈક્ષણિક રાજકારણ જબરદસ્ત રીતે ગરમાયું હતું.
ઉલ્લેખનીય છે કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(એબીવીપી)ના રાષ્ટ્રીય અધિવેશન સંદર્ભે યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ હાજરી આપી હતી. જેથી કુલપતિને એનએસયુઆઇએ આરએસએસ-ભાજપના દલાલ ગણાવ્યા હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના અધિવેશનમાં કુલપતિ હિમાંશુ પંડ્યાએ હાજરી આપતાં એનએસયુઆઇ દ્વારા જારદાર વિરોધ કરાયો હતો અને જણાવ્યું હતું કે, કુલપતિ કોઇ પક્ષ પરત્વે જાડાયેલા હોય એવી પ્રતીતિ થવી ના જાઇએ. કુલપતિનો હોદ્દાની ગરિમા અને તટસ્થતા જાળવવાની તેમની ફરજ છે પરંતુ કુલપતિ હિમાંશુ પંડયા ભાજપ સરકારના દબાણમાં પ્રભાવિત થયેલા હોઇ તેમણે એબીવીપીના અધિવેશનમાં હાજરી આપી હતી. એનએસયુઆઇ દ્વારા કુલપતિની એબીવીપીના કાર્યક્રમમાં હાજરીની સમગ્ર ઘટનાને વખોડી કાઢી હતી.