જાકર્તા : ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યા બાદ ત્રાટકેલા સુનામીના મોજામાં મોતનો આંકડો આજે વધીને ૨૯૦ ઉપર પહોંચી ગયો હતો. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. હજુ મોતનો આંકડો ખુબ ઉપર પહોંચી શકે છે. કારણ કે અસરગ્રસ્ત વિસ્તારો પૈકી કેટલાક વિસ્તારમાં તો હજુ બચાવી ટીમ પહોંચી શકી નથી. બીજી બાજુ ઘાયલ થયેલા લોકોની સંખ્યા પણન ૧૦૦૦થી ઉપર પહોંચી ગઇ છે. સુન્ડા સ્ટ્રેટની આસપાસના વિસ્તારોમાં સુનામીના કારણે ભારે નુકસાન થયુ છે. આ વખતે સુનામીના કારણે તમામ નિષ્ણાંતો ભારે પરેશાન છે. કારણ કે આ ક્ષેત્રમાં કોઇ ભૂકંપનો આંચકો આવ્યો ન હતો. એકાએક દરિયામાં ૨૦ ફુટ સુધી ઉંચા મોજા ઉછળવા લાગી ગયા હતા. સુનામીની પહેલાથી કોઇ ગતિવિધી નજરે પડી રહી ન હતી.
જેના લીધે કોઇ એલર્ટની જાહેરાત પણ કરવામાં આવી ન હતી. એલર્ટ જારી કરવાની સ્થિતીમાં વધારે નુકસાનને રોકી શકવામાં સફળતા મળી હોત. સુનામીના કારણોમાં હાલમાં મુલ્યાંકનની પ્રક્રિયા ચાલી રહી છે. બચાવ અને રાહત ટીમ હજુ સુધી તમામ વિસ્તારોમાં પહોંચી શકી નથી. એમ માનવામાં આવે છે કે જ્વાળામુખી ફાટ્યા બાદ પાણીની અંદર હલચલના લીધે આ સુનામીની અસર દેખાઇ હતી. લાપતા થયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે. ક્રિમસ વિકેન્ડના કારણે મોટી સંખ્યામાં લોકો રજા માણવા માટે પહોંચ્યા હતા. આ વર્ષે બીજી વખત સુનામીથી તબાહી થઇ છે. સપ્ટેમ્બરમાં ૨૮મી તારીખે સુલાવેસીમાં ભૂંકપ અને સુનામીના કારણે ૨૫૦૦ લોકોના મોત થયા હતા. દુનિયામાં પૃથ્વીની સપાટી ઉપર સક્રિય જ્વાળામુખી પૈકી અડધાથી વધુ જ્વાળામુખી આ વિસ્તારમાં આવે છે.
આજ કારણસર આ વિસ્તારને રિંગ ઓફ ફાયર અથવા તો આગના ગોળા તરીકે કહેવામાં આવે છે. આ ક્ષેત્રમાં દર વર્ષે ભૂકંપ અને સુનામીના કારણે અભૂતપૂર્વ નુકસાન થાય છે. ૨૦૦૪માં ઇન્ડોનેશિયામાં ભૂકંપ બાદ સુનામીએ હિંદ મહાસાગરના દરિયા કાંઠા પર આવેલા દેશોમાં ભારે તબાહી મચાવી હતી અને સવા બે લાખ લોકોના મોત થઇ ગયા હતા. નવેસરથી વિનાશક સુનામીમાં મોતનો આંકડો વધી શકે છે. ૨૬મી ડિસેમ્બર ૨૦૦૪ના દિવસે હિંદ મહાસાગરમાં ભૂકંપ બાદ સુનામી ત્રાટકતા ૧૩ દેશોમાં ૨૨૬૦૦૦ લોકોના મોત થયા હતા. એકલા ઇન્ડોનેશિયામાં તે વખતે ૧૨૦૦૦૦ લોકોના મોત થયા હતા. ૧૮૮૩માં ક્રાકાટાઉમાં જ્વાળામુખી ફાટતા સુનામીથી ૩૬૦૦૦ લોકોના મોત થઇ ગયા હતા. ૧૮૮૩માં વિનાશક જ્વાળામુખી બાદ અફડાતફડી મચી ગઈ હતી. દુર્ઘટનાઓની શ્રેણીનો દોર જારી રહ્યો છે. આ વર્ષે અનેક જ્વાળામુખી અને ભૂકંપના બનાવો બની ચુક્યા છે.
સત્તાવાળાઓએ સુંડા દ્વિપની આસપાસ દરિયા કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને તથા પ્રવાસીઓને બીચથી દૂર રહેવા માટે સૂચના આપી છે. આ ચેતવણીને ૨૬મી ડિસેમ્બર સુધી અમલી રાખવામાં આશે. બીજી બાજુ ઉંચાણવાળા વિસ્તારમાં ખસેડવામાં આવેલા લોકોને તરત પરત ન ફરવા કહેવામાં આવ્યું છે. બચાવ કાર્યકરો અને એમ્બ્યુલન્સને અસરગ્રસ્ત વિસ્તારોમાં અડચણ પડી રહી છે. કારણ કે, નુકસાન પામેલા મકાનો, ઉથલી પડેલી કારો અને ધરાશાયી થઇ ગયેલા વૃક્ષોના પરિણામ સ્વરુપે તમામ રસ્તા બ્લોક થઇ ગયા છે. ગઇકાલે સુનામી ત્રાટકતા હજારો મકાનો અને ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ હતી.સત્તાવાર આંકડા મુજબ ૫૫૬ આવાસ, નવ મોટી હોટેલ, ૬૦ કોલોની અને ૩૫૦ બોટને ભારે નુકસાન થયુ છે. સુંડા દ્વિપમાં સૌથી વધારે નુકસાન થયું હતું. ડિઝાસ્ટર એજન્સીના પ્રવક્તાનું કહેવું છે કે, હજારોની સંખ્યામાં લોકોને ઉંચાણવાળા વિસ્તારોમાં ખસેડવાની ફરજ પડી તી. સુનામી દરમિયાન ૧૫થી ૨૦ મીટર ઉંચી લહેરો ઉઠી હતી જેના લીધે આ નુકસાન થયું હતું. દ્વિપમાં બચાવ અને રાહત કામગીરી જારી છે.