નવીદિલ્હીઃ બિહારમાં ૨૦૧૯ લોકસભા ચૂંટણીને લઇને એનડીએમાં બેઠકોની વહેંચણીની જાહેરાત કરી દેવામાં આવી છે. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી પ્રવર્તી રહેલા સસ્પેન્સનો અંત આવી ગયો છે. દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નિતીશકુમાર, એલજેપીના નેતા રામવિલાસ પાસવાન ઉપસ્થિત રહ્યા હતા. તમામ પ્રકારના વિવાદો અને મતભેદોને દૂર કરી લેવામાં આવ્યા હતા.
બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા મુજબ ભાજપ અને જેડીયુ ૧૭-૧૭ સીટો ઉપર ચૂંટણી લડશે જ્યારે એલજેપી છ સીટો ઉપર ચૂંટણી લડનાર છે. આની સાથે જ એલજેપીને છ સીટો મળી ગઈ છે. પત્રકાર પરિષદમાં ભાજપ પ્રમુખ અમિત શાહે આ અંગેની જાહેરાત કરી હતી. અમિત શાહના આવાસ ઉપર યોજાયેલી બેઠક બાદ ભાજપ, જેડીયુ અને એલજેપીની સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી. બેઠકમાં નીતિશકુમાર, કેન્દ્રીયમંત્રી રામવિલાસ પાસવાન, તેમના પુત્ર સાંસદ ચિરાગ પાસવાન પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઘોષણા બાદ અમિત શાહે ૨૦૧૯માં ૨૦૧૪ કરતા પણ વધારે સીટો જીતવાનો દાવો કર્યો હતો.
નીતિશકુમારે પણ કહ્યું હતું કે, એનડીએ બિહારમાં ૨૦૧૯માં વધારે સીટો જીતશે. આવાસ ઉપર બેઠક બાદ અમિત શાહે કહ્યું હતું કે, લાંબી ચર્ચા બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, ભાજપ અને જેડીયુ ૧૭-૧૭ સીટો ઉપર ચૂંટણી લડશે જ્યારે એલજેપી ૬ લોકસભા સીટો ઉપર ચૂંટણી લડશે. રામવિલાસ પાસવાનને આગળ આવનાર રાજ્યસભા ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર બનાવવામાં આવશે.
ભાજપ અધ્યક્ષે કહ્યું હતું કે, એનડીએની તાકાતને ધ્યાનમાં લઇને ત્રણેય પાર્ટીઓએ નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં જ એનડીએનો એજન્ડો રજૂ કરવામાં આવશે. નીતિશકુમારે કહ્યું હતું કે, જ્યારે અમિત શાહે જાહેરાત કરી દીધી છે ત્યારે કોઇ નવી વાત કહેવાની જરૂર નથી. અમે તમામ બાબતો સાથે મળીને નક્કી કરીશું.
બિહારના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અમે બિહારમાં વધુ સારી સફળતા હાંસલ કરીશું. તેમને વધારે બોલવાની ટેવ નહીં હોવાની વાત પણ નીતિશકુમારે કરી હતી. ૨૦૦૯માં બિહારમાં ભાજપ અને જેડીયુનું ગઠબંધન હતું તે વખતે બિહારમાં ૪૦ પૈકી ૩૨ સીટો મળી હતી. ૨૦૦૯થી પણ વધારે સીટો જીતવાનો દાવો કરવામાં આવ્યો હતો.
એનડીએમાં સીટોની વહેંચણીને લઇને હાલમાં ખેંચતાણની સ્થિતિ હતી. આજે બેઠકોની વહેંચણીને લઇને નિર્ણય લેવામાં આવ્યા બાદ તમામ બાબતોને લઇને પાસવાન પણ સંતુષ્ટ દેખાયા હતા. પાસવાને દાવો કર્યો હતો કે, ગઠબંધન પાર્ટીઓ વચ્ચે કોઇ વિવાદ નથી. જો કે, છેલ્લા થોડાક દિવસમાં તેમના પુત્ર ચિરાગ પાસવાને બેઠકોની વહેંચણીને લઇને ભાજપ ઉપર દબાણ લાવ્યું હતું. ત્યારબાદ પાસવાને એનડીએમાંથી નિકળી જવાની આશંકા પણ દર્શાવી હતી.
રવિવારે પત્રકાર પરિષદમાં પાસવાને કહ્યું હતું કે, તેઓ ભાજપ પ્રમુખ અમિત શાહ, નીતિશકુમાર અને અરુણ જેટલીનો આભાર માને છે. અમારી અંદર કોઇ ખેંચતાણની સ્થિતિ નહતી. આગામી વખતે મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે. ૪૦ પૈકી ૪૦ સીટો જીતવાની યોજના છે.