અમદાવાદ : સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં મુંબઇની સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે એ સમયના ગુજરાતના ડીઆઈજી વણઝારા સહિત કથિત ૨૨ આરોપીઓને રાહત આપી તેમને નિર્દોષ છોડવામાં આવ્યા હતા. જેને પગલે ગુજરાતના પોલીસ આલમમાં ભારે ખુશી અને હર્ષની લાગણી છવાઇ ગઇ હતી. કારણ કે, એન્કાઉન્ટર કેસમાં ગુજરાત પોલીસના અધિકારીઓ-કર્મચારીઓ જેલમાં ધકેલાતા પોલીસના નૈતિક મનોબળ પર માઠી અસર પડી હતી પરંતુ આજના ચુકાદા બાદ ફરી એકવાર ગુજરાત પોલીસનું નૈતિક મનોબળ નિશંકપણે ઉંચુ આવ્યું હશે તે નક્કી છે. એન્કાઉન્ટર કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ છોડી દેવાતાં પૂર્વ ડીઆઇડી ડી.જી.વણઝારાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, અમે એ વખતે કરેલા એન્કાઉન્ટર સાચા જ હતા, હું પહેલેથી જ કહેતો આવ્યો છું. એ વખતે રાજકીય ષડયંત્રના ભાગરૂપે દેશદ્રોહી તત્વો દ્વારા આ સાચા એન્કાઉન્ટરને ખોટા તરીકે ખપાવવાનો હીન પ્રયાસ થયો હતો.
એ વખતે જા અમે એન્કાઉન્ટર ના કર્યા હોત તો, આજે ગુજરાત બીજું કાશ્મીર બની ગયુ હોત. વણઝારાએ વધુમાં જણાવ્યું હતું કે, એ વખતે આંતકવાદીઓનો મુખ્ય આશય મોદીની હ્ત્યાનો હતો. ગુજરાતની પોલીસે કાયદાની મર્યાદામાં રહીને એ સમયે એન્કાઉન્ટર કર્યા હતા. જા પોલીસે આ એન્કાઉન્ટર ના કર્યા હોત તો પાકિસ્તાન અને તેની પ્રેરિત આંતકવાદી સંસ્થાઓને મોદીની હત્યા કરવામાં સફળતા પ્રાપ્ત થઇ હોત. એટલું જ નહી, પરંતુ ગુજરાત એક બીજુ કાશ્મીર બની ગયુ હોત. જે એકાઉન્ટર કરવામાં આવ્યા તે બિલકુલ સાચા અને જેન્યુઇન એન્કાઉન્ટર હતા. જે તે વખતે રાજકીય સાજીશો, રાજકીય ષડયંત્રોના ભાગરૂપે દેશદ્રોહી તત્વો દ્વારા કરવામાં આવ્યા તેના ભાગરૂપે અમારા સાચા -એન્કાઉન્ટરોને ખોટા એન્કાઉન્ટરમાં ખપાવવામાં આવ્યા હતા. આમ કરીને ગુજરાત, રાજસ્થાન અને આંધ્રપ્રદેશ પોલીસને ખોટી રીતે હેરાન કરવામાં આવી હતી અને બદનામ કરવામાં આવી હતી.
આજે આટલા વર્ષો પછી અમને ન્યાય મળ્યો છે. વણઝારાએ નામ લીધા વિના જે-તે સમયની કોંગ્રેસ સરકાર પર આરોપ લગાવ્યો કે જે-તે સમયે ગાંધીનગર અને દિલ્હી વચ્ચે ક્રોસ ફાયરિંગ થઈ રહ્યું હતું જે અંતર્ગત ગુજરાતના અધિકારીઓને ખોટા કેસમાં ફસાવીને હેરાન કરવામાં આવ્યા. આઠ-આઠ વર્ષ જેલમાં રહ્યા બાદ અમને ન્યાય મળ્યો છે.