અમદાવાદ : કેવડિયા ખાતે ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સની ગઇકાલે તા.૨૦મી ડિસેમ્બરથી શરૂ થયેલી ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સ દરમ્યાન સ્થાનિક આદિવાસીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને આદિવાસીઓએ પોતાના ઘરો અને વિવિધ સ્થળોએ કાળા વાવટા અને ધજાઓ ફરકાવી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને પોતાની માંગણીઓ પરત્વે ફરી એકવાર અવાજ અનોખી રીતે રજૂ કર્યો હતો. આદિવાસીઓનો આ વિરોધ એટલા માટે મહત્વનો બની જાય છે કારણ કે, આજે ડીજી કોન્ફરન્સમાં ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરવા આવ્યા હતા અને તેથી તેમના આગમન ટાણે આદિવાસીઓનો આ વિરોધ ભારે ચર્ચાસ્પદ બની રહ્યો હતો. કેવડિયા ખાતેની આ ડીજી કોન્ફરન્સ આજે તા.૨૧ અને આવતીકાલે તા.૨૨મી ડિસેમ્બર એમ બે દિવસ સુધી ચાલવાની છે.
ગઈકાલે ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે બપોરે ૩-૦૦ કલાકે ટેન્ટ સીટી-૨ ખાતે ડીજી કોન્ફરન્સનું ઉદ્દઘાટન કરાવ્યું હતું. આ દરમિયાન કેવડિયાની આસપાસના અને ગરૂડેશ્વર તાલુકાના આસપાસના ગામોમાં આદિવાસી સમાજ દ્વારા તેમના ઘરો ઉપર લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિરોધમાં કાળી ધજા ફરકવી હતી જે ધજાઓ આજે પણ આ વિસ્તારના ઘરો ઉપર ફરકી રહી હતી. ગૃહમંત્રી રાજનાથસિંહના આવવાના સમયે જ કેવડિયા હેલિપેડ ગ્રાઉન્ડની આજુબાજુએ પણ કાળા વાવટા ફરકાવામાં આવ્યા હતા. પરંતુ આ સમયે ત્યાં હાજર પોલીસે આ કાળા વાવટા તોડી પાડ્યા હતા. આ કાળા વાવટા ફરકાવવાનું કારણ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના આકર્ષણોના નિર્માણના ઓઠા હેઠળ આદિવાસીઓની જમીન અને તેમના હિત પર તરાપ મારવામાં આવી હોઇ સમગ્ર આદિવાસી સમાજમાં ઉગ્ર આક્રોશ અને ભારોભાર નારાજગીની લાગણી પ્રવર્તી રહી છે. સરકાર દ્વારા કેવડીયામાં વિકાસના બહાને આદિવાસીઓની જમીનો સંપાદિત કરાઇ હતી.
હવે આની સામે સ્થાનિક આદિવાસીઓ વિરોધ નોંધાવી વિકાસના નામે સરકાર આદિવાસીઓની જમીન લૂંટવાનું બંધ કરે એવા આક્ષેપો કરી પોતાનો વિરોધ પ્રગટ કરી રહ્યા છે. આદિવાસીઓના આક્ષેપ મુજબ, જે જમીનો નર્મદા ડેમ અને નહેરો માટે લેવાઈ છે એની પર હાલ ટેન્ટ સીટી, વિવિધ ભવન, રેલ્વે સ્ટેશન સહિતના નિર્માણ થઇ રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલે આદિવાસીઓ સાથે ગંભીર વિશ્વાસઘાત અને છેતરપીંડી થયા છે. તેથી આદિવાસીઓએ તેમની આ જમીનો ફરી મૂળ માલિકોને સોંપવામાં આવે અને આ પ્રોજેક્ટ્સ બંધ કરવામાં આવે એવી જારશોરથી માંગણી શરૂ કરી છે. આદિવાસીઓએ પોતાની માંગણીઓને લઇને કેવડિયાથી રાજપીપળા કલેકટર કચેરી સુધી આદિવાસીઓ પદયાત્રા કાઢવાનું પણ નક્કી કર્યું હતું પણ પોલીસે એ યાત્રા રોકી હતી. જેથી આ તમામ મુદ્દે રોષ હોવાને લીધે પણ કાળા વાવટા અને ઘરો ઉપર કાળી ધજા ફરકાવી આદિવાસીઓ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. કાળા વાવટા અને કાળી ધજાઓ ફરકાવી સરકાર સામેનો આદિવાસીઓનો ઉગ્ર વિરોધ આંખે ઉડીને વળગે એવો હતો, જે ડીજી કોન્ફરન્સમાં આવેલા તમામ મહાનુભાવોનું સૂચક ધ્યાન ખેંચતુ હતું.