નવી દિલ્હી : ઉત્તરપ્રદેશમાં એક સાથે ચૂંટણી લડવા માટે વિરોધ પક્ષો એક સાથે આવે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. વિપક્ષી દળોના ગઠબંધનને અંતિમ રૂપ આપવા માટેની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. એમ માનવામાં આવે છે કે ઉત્તરપ્રદેશની ૮૦ લોકસભા સીટો પૈકી બેઠક વહેંચણી માટેની ફોર્મ્યુલા તૈયાર કરી લેવામાં આવી છે. આ ફોર્મ્યુલા મુજબ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી એક સમાન સીટો પર ચૂંટણી લડનાર છે. જ્યારે કોંગ્રેસ જો ગઠબંધનમાં સામેલ થશે તો તેને માત્ર બે સીટો આપવામાં આવનાર છે. આ ઉપરાંત આ ગઠબંધનમાં અજિત સિંહની રાષ્ટ્રીય લોકદળને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ત્રણ સીટો મળી શકે છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો ચૂંટણી પહેલા બસપ અને સપાના ગઠબંધનને નક્કી ગણવામાં આવે છે.
આની સાથે સાથે એવી અટકળો પણ ચાલી રહી છે કે આગામી ૧૫મી જાન્યઆરીના દિવસે બસપના નેતા માયાવતીના જન્મદિવસે આની જાહેરાત કરવામાં આવી શકે છે. આ ગઠબંધનમાં હાલમાં આરએલડીના સામેલ થવાના સંકેત છે. જો કે કોંગ્રેસથી બંને પાર્ટી દુર રહેવા માટે ઇચ્છુક છે. એમ માનવામાં આવે છે કે જા કોંગ્રેસ પાર્ટી ગઠબંધનમાં સામેલ થશે તો તેને માત્ર ગાંધી પરિવારની બે સીટો જ આપવામાં આવનાર છે. જે બાબત તેના માટે અપમાનજનક હોઇ શકે છે. આ બે સીટોમાં રાયબરેલી અને અમેઠીનો સમાવેશ થાય છે. માયાવતીના જન્મદિવસને લઇને રાજકીય પંડિતો ગણતરી કરી રહ્યા છે.
૧૫મી જાન્યુઆરીના દિવસે માયાવતીનો જન્મદિવસ છે. જન્મદિવસને લઇને મોટા પાયે તૈયારી કરવામાં આવી છે. સુત્રોએ કહ્યુ છે કે તેમાં કેટલાક વિપક્ષી નેતાઓ સામેલ થઇ શકે છે. માયાવતી તેમની તાકાત દર્શાવી શકે છે. આ દિવસે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી શકે છે. એમ માનવામાં આવે છે કે જન્મદિવસે માયાવતી કોંગ્રેસને બાદ કરતા તમામને આમંત્રણ આપશે.