´ધ્યાયત: વિષયાન પુંસ: સંગ: તેષુ ઉપજાયતે II
સંગાત સંજાયતે કામ: કામાત ક્રોધ: અભિજાયતે II૨/૬૨II “
અર્થ –
” વિષયોનું ચિંતન કરતા પુરુષના મનમાં તેમને વિશે આસક્તિ થાય છે. આસક્તિમાંથી કામના થાય છે અને કામનામાંથી ક્રોધ જન્મે છે. ”
વિષય એટલે ઇન્દ્રીયોને ગમે તેવાં સુખ. આપણી કઇ ઇન્દ્રીયને ક્યા પ્રકારનું સુખ ગમે છે તે આપણે સૌ સારી રીતે જાણીએ જ છીએ. ચિંતન કરવું એટલે કોઇ વસ્તુ, ઘટના,કોઇ વ્યક્તિ કે કોઇ સુખના અનુભવને વારે વારે યાદ કરવું તે. તમે જેને ખૂબ યાદ કરો છો તેની તમને આસક્તિ થાય છે. પછી એક સમય એવો આવી શકે છે કે તમને તેના વિના ચાલે જ નહિ. તેની ગેરહાજરી તમે વેઠી શકતા જ નથી. આમ આસક્તિ એટલે કોઇના વગર ન જીવી શકાય કે ન ચલાવી શકાય તેવી સ્થિતિ. વધુ આગળ વિચારતાં ભગવાન કહી રહ્યા છે કે આસક્તિમાંથી તે વ્યક્તિ કે વસ્તુ કે સુખને ભોગવવાની કામના – ઇચ્છા જાગે છે. અને જો તમારી કામના કે ઇચ્છા પરિપૂર્ણ ન થાય તો પછી શું થાય છે ? ખબર છે ને ? તમને ખૂબ જ ગુસ્સો ચઢે છે. એ સુખ નહિ ભોગવવા દેવા માટે કોણ જવાબદાર છે તેની તમે ખોજ શરુ કરી દો છો. તમે એ વ્યક્તિને લડો છો. એની સાથે દુશ્મનાવટ પણ વહોરી લો છો. અને અંતે શું પામો છો ? માત્ર અને માત્ર પાયમાલી. ભૂતકાળ તરફ નજર કરીએ તો ઘણા એવા કિસ્સા જોવા મળશે જેમાં ઘણા બળવાન લોકો કે તપસ્વીઓના મોહ ભંગ થયા છે અને અંતે તે સૌ ધૂળમાં મળી ગયા છે. વાસના તમને ક્ષણિક સુખ આપે છે પણ અંતે તો બરબાદ કરી મૂકે છે. તમને વ્યાપેલો ક્રોધ કંઇક નવાનવા પ્રશ્નો અને સમસ્યાઓ તમને આપતો જાય છે. ને સરવાળે તમે પસ્તાઓ છો . આમ આ શ્ર્લોક દ્વારા ભગવાન આપણને વિષયોના ચિંતનથી દૂર રહેવાની શિખામણ આપી રહ્યા છે.
અસ્તુ.
- અનંત પટેલ