ભોપાલ : મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકારે ખેડૂતોના દેવા માફીના નિર્ણય પર સહીસિક્કા કર્યા હતા. મુખ્યમંત્રી કમલનાથે શપથ લીધા બાદ તરત જ દેવા માફીના નિર્ણય પર સહીસિક્કા કર્યા હતા. કોંગ્રેસ આ ચૂંટણીમાં વચન આપ્યું હતું કે, જા કોંગ્રેસ સત્તા પર આવશે તો ખેડૂતોનું દેવું માફ કરાશે. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં આ મુદ્દાને મુખ્ય પ્રાથમિકતા આપી હતી. મધ્યપ્રદેશમાં આ નિર્ણય બાદ ખેડૂતોનું બે લાખ સુધીનું દેવું માફ કરવામાં આવશે. આ નિર્ણય અતર્ગત ૩૧મી માર્ચ ૨૦૧૮ સુધી દેવું માફ કરવામાં આવશે. નિર્ણય અનુસાર રાષ્ટ્રીય અને સહકારી બેંકો દ્વારા લેવાયેલું તમામ દેવું માફ કરવામાં આવશે.
આ સાથે કમલનાથે કહ્યું હતું કે, કોંગ્રેસ સરકાર ખેડૂતોના મુદ્દાઓને પ્રથમ પ્રાથમિકતા આપશે. દેવા માફી બાદ મુખ્યમંત્રી કમલનાથે મિડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, આજે ખેડૂતો દેવામાં જ જન્મે છે અને દેવામાં મૃત્યુ પામે છે. મધ્યપ્રદેશમાં ૭૦ ટકા વસતી કૃષિ પર આધારિત છે. જેથી કૃષિ ક્ષેત્રમાં પ્રગતિ નહીં થાય તો પ્રદેશની પ્રગતિ પણ રોકાઈ જશે. કમલનાથે કહ્યું હતું કે, જ્યાં સુધી ખેડૂતોના ચહેરા પર ખુશી ન દેખાઈ ત્યાં સુધી હુ ચેનથી બેસીસ નહીં. દેવા માફીના સવાલ ઉઠાવતા નિષ્ણાતોના સવાલ પર કમલનાથે જણાવ્યું હતું કે, જ્યારે ઉદ્યોગપતિઓના દેવા માફ કરવામાં આવે છે ત્યારે કેમ કોઇ બોલતું નથી.
તમામ નિષ્ણાતોએ ક્યારે પણ ગામોમાં ગયા છે, તેમણે ત્યાં ખેડૂતોની હાલત જાઈ છે. તેઓ માત્ર રુમમાં બેસી આ પ્રકારની ટિપ્પણી કરતા રહે છે. અગાઉ ભોપાલના જમ્બુરી મેદાનમાં કમલનાથે મધ્યપ્રદેશના ૧૮માં મુખ્યમંત્રીના રુપમાં શપથ લીધા હતા. આ પ્રસંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ શપથવિધિ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
