ભોપાલ-રાયપુર : કમલનાથે આજે મધ્યપ્રદેશના ૧૮માં મુખ્યમંત્રી તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમને હોદ્દા અને ગુપ્તતતાના શપથ લેવડાવ્યા હતા. શપથવિધિ કાર્યક્રમમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ મલ્લિકાર્જુન ખડગે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેલોત, નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ, સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા, કર્ણાટના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને પંજાબના મંત્રી નવજાતસિં સિદ્ધૂ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તેલુગુ દેશ પાર્ટીના અધ્યક્ષ આને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર, લોકતાંત્રિક જનતા દળના શરદ યાદવ, અન્નાદ્રમુક નેતા એમકે સ્ટાલિન, રાજદ નેતા તેજસ્વી યાદવ, નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ શપથવિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મધ્યપ્રદેશ વિધાનસભા માટે ૨૮મી નવેમ્બરે મતદન યોજાયું હતું અને ૧૧મી ડિસેમ્બરના દિવસે મતગણતરી કરાઈ હતી.
ચૂંટણી પરિણામોમાં પ્રદેશની કુલ ૨૩૦ વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસે ૧૧૪ બેઠકો જીતી હતી. તેઓ બહુજન સમાજ પાર્ટીના બે, સમાજવાદી પાર્ટીના એક અને ચાર અન્ય અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી હતી. કોંગ્રેસને હાલ ૧૨૧ ધારાસભ્યોનું સમર્થન છે જ્યારે ભાજપને ૧૦૯ સીટો મળી હતી. બીજી બાજુ ભોપાલના જમ્બુરી મેદાનમાં આયોજિત શપથ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત વિપક્ષના તમામ વરિષ્ઠ નેતા ઉપસ્થિત રહ્યા હતા. કમલનાથ સતત ૧૩ વર્ષ સુધી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહેલા શિવરાજસિંહ ચોહાણને પણ મળ્યા હતા. કમલનાથ, શિવરાજસિંહ ચૌહાણ અને જ્યોતિરાદિત્ય સિંધિયા એક મંચ પર જાવા મળ્યા હતા. રાજનીતિક શિષ્ટાચાર અંતર્ગત આ મુલાકાત રાજકીય ગર્મી વચ્ચે લોકતંત્રની મજબૂતીને દર્શાવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૩મી ડિસેમ્બરના દિવસે જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે કમલનાથના નામની જાહેરાત કરવામાં આવી હતી.
એજ દિવસે રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે અશોક ગેહલોતના નામની જાહેરાત કરવામાં આવી હતી. એકબાજુ હાલમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી મધ્યપ્રદેશમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી અને ૧૧૪ સીટો જીતી હતી. માયાવતીની બહુજન સમાજ પાર્ટી અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને ટેકો આપતા કોંગ્રેસે બહુમતિ માટેનો ૧૧૬નો આંકડો મેળવી લીધો છે. બીજી બાજુ રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીએ ૧૯૯ સીટો પૈકી ૯૯ સીટો જીતી હતી. આની સાથે જ ભાજપ પાસેથી કોંગ્રેસ સત્તા આંચકી લીધી છે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ, બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતી, આમ આદમી પાર્ટી અને અન્ય તમામ વિરોધ પાર્ટીઓના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.