રાયબરેલી : દેશમાં ખેડુત સમુદાયની વધતી નારાજગી અને હાલમાં યોજાયેલી પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે હવે ખેડુતો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમામ તૈયારી કરી લીધી છે. ખેડુતોને વધુને વધુ રાહત અને લાભ આપવા માટેની રણનિતી પર કામ શરૂ કરવામાં આવ્યુ છે. કૃષિ મંત્રાલયમાં યોજનાઓને લઇને વાતચીતનો દોર શરૂ થઇ ચુક્યો છે. આગામી દિવસોમાં કેટલીક નવી ખેડુતલક્ષી મોટી જાહેરાતો પણ કરવામાં આવી શકે છે. હાલમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હાર માટે ખેડુતોની નારાજગીને કારણરૂપ ગણવામાં આવે છે. આવી સ્થિતીમાં મોદી સરકારે કમર કસી લીધી છે. કેન્દ્રિય કૃષિ મંત્રાલય હાલમાં સૌથી વધારે સક્રિય છે. કૃષિ પ્રધાન રાધામોહનસિંહ અને કૃષિ રાજ્ય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરી લીધી છે.
બેઠકમાં સંબંધિત તમામ અધિકારીઓને આદેશ કરવામાં આવ્યો છે કે દેશમાં હાલમાં જેટલી પણ ખેડુત કલ્યાણ સંબંધિત યોજનાઓ છે તે તમામ યોજનાઓને જમીની સ્તર સુધી વહેલી તકે પહોંચાડી દેવા દામ કરવામાં આવે. અધિકારીઓને આ આદેશ મળ્યા બાદ આગામી દિવસોમાં તેના પરિણામ મળે તેવી શક્યતા છે. શેખાવતે સંબંધિત અધિકારીઓને ખેડુત સંબંધી યોજનાઓ પર થયેલા ખર્ચની વિગત આપવા માટે કહ્ય છે. કૃષિ કલ્યાણ અભિયાન પર ચર્ચા કરવામાં આવી રહી છે. ખેડુતોની આવકને વર્ષ ૨૦૨૨ સુધી બે ગણી કરવાના ઇરાદા સાથે લેવામાં આવી રહેલા પગલા પર ચર્ચા કરવામાં આવી રહી છે. કૃષિ કલ્યાણ અભિયાન પર બેઠકમાં ખાસ ચર્ચા થઇ રહી છે. રાધામોહનસિંહ કહી ચુક્યા છે કે દેશના ૧૨૫ પછાત જિલ્લાના ગામોમાં આ કાર્યક્રમની સફળતાના સંબંધમાં ખેડુતોને પ્રશ્ન કરવાની સાથે સાથે આ કાર્યક્રમના લાભ ખેડુતોને મળ્યા છે કે કેમ તેની માહિતી એકત્રિત કરવામાં આવે. શેખાવતે બેઠકમાં કહ્યુ હતુ કે મંત્રાલય દ્વારા ખેડુતોની યોજનાઓ માટે ક્યા રાજ્યને કેટલી રકમની ફાળવણી કરવામા ંઆવી છે તે અંગે પણ માહિતી એકત્રિત કરવાની જરૂર છે. કેટલી રકમ રાજ્યોને હજુ આપવાની બાકી છે તે અંગે આંકડા એકત્રિત કરવા માટે પણ કહેવામાં આવ્યુ છે.
ખેડુતો માટે દેશમાં જેટલી પણ યોજના ચલાવવામાં આવી રહી છે તે તમામ યોજનાઓ અંગે માહિતી મેળવી લેવાના ઝડપી પ્રયાસ થઇ રહ્યા છે. જે યોજના હાલમાં ચાલી રહી છે તે યોજનામાં કેટલી રકમની જરૂર છે તે અંગે માહિતી મેળવી લેવા માટે કહેવામાં આવ્યુ છે. ખેડુતોની વધતી જતી નારાજગીને કઇ રીતે દુર કરવામાં આવે તે પાસા પર ચર્ચા કરવામાં આવી હતી. ખેડુત ક્યા મુદ્દાઓને લઇને વધારે પરેશાન છે તે બાબતની માહિતી મેળવી લેવા માટે તેમને કહેવામાં આવ્યુ છે. મંત્રાલયને શુ કરવાની જરૂર છે તે અંગે પણ માહિતી એકત્રિત કરવાની જરૂર છે. ખેડુત કલ્યાણ યોજના હેઠળ જુદા જુદા વિભાગના પ્રગતિ રિપોર્ટ રજૂ કરવા માટે કહેવામાં આવ્યુ છે.
કૃષિ સહકારિતા અને કિસાન કલ્યાણ વિભાગ, પશુ પાલન, ડેયરી, ઉદ્યોગ અને મત્સ્ય પાલન, કૃષિ શોધ અને શિક્ષણ વિભાગ તરફથી ચલાવવામાં આવતી યોજના અને કાર્યક્રમના જિલ્લાવાર રિપોર્ટ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યુ છે. ખેડુતોને કઇ રીતે ફાયદો મળી રહ્યો છે અને તેમની વધારીની માંગ શુ છે તે દિશામાં પહેલ કરવાની જરૂર છે. અત્રે નોંધનીય છે કે હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તેના ત્રણ ઉપયોગી રાજ્યો હાથમાંથી ગુમાવ્યા છે. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢનો સમાવેશ થાય છે. આની સાથે જ લોકસભાની ચૂંટણી પહેલા ખેડુતોને હવે સર્વોચ્ચ પ્રાથમિકતા અપાશે.