અમદાવાદ : ગુજરાતની સાડા છ કરોડ જનતાના પ્રેમ અને આદર બદલ હું સાચા અંતઃકરણપૂર્વક તેમનો આભારી છું. આજના સમયમાં લોકોને ઝડપી અને અસરકારક ન્યાય મળે તે જરૂરી છે. લોકોને ન્યાયતંત્ર પાસેથી બહુ આશા અને અપેક્ષા હોય છે ત્યારે લોકોને સાચા અર્થમાં ન્યાય મળે તે માટે જયુડીશરીની સાથે સાથે વકીલો અને તેની સાથે સંકળાયેલ સૌકોઇએ સદાય તત્પર રહેવું જાઇએ. વકીલ સમુદાયે શકય હોય ત્યાં સુધી કોઇપણ કેસમાં એડજર્નમેન્ટ(મુદત) ના માંગવું જાઇએ અને કેસમાં આર્ગ્યુમેન્ટ(દલીલો) કરી લેવી જાઇએ કે જેથી કેસમાં ઝડપથી નિકાલ થઇ શકે. કેસોના ભારણનું ઘટાડવા અને કેસોના ઝડપી અને અસરકારક નિકાલ માટે આપણે સૌકોઇ મક્કમ નિર્ધાર અને તેની અસરકારક ભૂમિકા ભજવવી પડશે તો જ લોકોને સાચા અર્થમાં ઝડપી અને અસરકારક ન્યાય મળશે.
લોકોનો ન્યાયતંત્રમાં જે ઉંડો વિશ્વાસ અને શ્રધ્ધા છે, તે જાળવવાની આપણા સૌની ફરજ છે. વકીલ સમુદાયે હડતાળ એ કોઇપણ સમસ્યાનું સમાધાન નથી અને તેથી કોઇપણ પ્રશ્નોનું પ્રોપર ચેનલ અને યોગ્ય રજૂઆત મારફતે નિરાકરણ લાવવું જાઇએ એમ અત્રે સુપ્રીમકોર્ટના જસ્ટિસ અને ગુજરાતના લોકપ્રિય ન્યાયમૂર્તિ જસ્ટિસ એમ.આર.શાહે જણાવ્યું હતું. ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા આજે ગુજરાત હાઇકોર્ટના ઓડિટોરિયમ ખાતે તાજેતરમાં સુપ્રીમકોર્ટમાં નિયુકત થયેલા આપણા ગુજરાતના જસ્ટિસ શ્રી એમ.આર.શાહ અને સુપ્રીમકોર્ટના સોલીસીટર જનરલ તુષાર મહેતાના સત્કાર સમારોહનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાઇકોર્ટના એકટીંગ ચીફ જસ્ટિસ અનંત એસ.દવે દ્વારા સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ.આર.શાહનું સત્કાર-અભિવાદન કરાયું હતું. તો, ગુજરાત બાર કાઉન્સીલ તરફથી પૂર્વ ચેરમેન વિજય એચ.પટેલે જસ્ટિસ એમ.આર.શાહને સૂતરની આંટી પહેરાવી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મોમેન્ટો અને પુસ્તક અર્પણ કરી સ્વાગત સન્માન કર્યું હતું.
આ જ પ્રકારે સુપ્રીમકોર્ટના સોલીસીટર જનરલ તુષાર મહેતાનું અભિવાદન મુખ્યમંત્રી તરફથી કરાયું હતું. આ પ્રસંગે જસ્ટિસ એમ.આર.શાહે જણાવ્યું હતું કે, હું ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે અહીં હતો ત્યારે વધારે કડક અને શિસ્તબધ્ધ હતો, તેનું કારણ એ જ હતું કે, લોકોને ઝડપી અને અસરકારક ન્યાય મળે, ન્યાયતંત્રની ગરિમા જળવાય અને લોકોનો ન્યાયતંત્ર પરત્વે વિશ્વાસ વધુ મજબૂત બને. કેસોમાં બિનજરૂરી વિલંબ ટાળી લોકોને ઝડપી અને અસરકારક ન્યાય મળે તે દિશામાં નક્કર અને પરિણામલક્ષી પ્રયાસો કરવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. જસ્ટિસ એમ.આર.શાહે વકીલોને કેસમાં બિનજરૂરી મુદત માંગવાના અને હડતાળના વલણથી દૂર રહેવા શીખ આપી હતી અને જણાવ્યું હતું કે, કોઇપણ કારણ વિના કેસમાં મુદત માંગવાથી કેસ વિલંબિત થાય છે અને વિલંબિત ન્યાય એ અન્યાય સમાન છે ત્યારે લોકોને ઝડપી ન્યાય મળે તે હિતમાં વકીલોએ દલીલો કરી કેસ ચલાવી લેવો જાઇએ. વળી, કોઇપણ સમસ્યા કે પ્રશ્નને લઇ હડતાળ પાડવી એ સમસ્યાનું હલ કે સમાધાન નથી. કોઇપણ મુદ્દાને લઇ પ્રોપર ચેનલ અને યોગ્ય રજૂઆત મારફત સમસ્યાનું નિરાકરણ લાવી શકાય છે, તેથી તે વિકલ્પ વકીલસમુદાયે અપનાવવો ન્યાયના હિતમાં લેખાય.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જસ્ટિસ એમ.આર.શાહે ગુજરાતના ન્યાયતંત્રમાં સોનેરી ઇતિહાસ રચી સમગ્ર ન્યાયતંત્ર માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવા બદલ ભારોભાર પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, શહેર સહિત રાજયમાં રખડતા ઢોરોના ત્રાસ, પા‹કગ, ગેરકાયદે દબાણો-બાંધકામો કે ટ્રાફિક સહિતના કોઇપણ મુદ્દાઓને લઇ જસ્ટિસ શ્રી એમ.આર.શાહે રાજય સરકાર સહિતના સત્તાધીશોને કરેલા અસરકારક નિર્દેશોનું જ પરિણામ છે કે, હાલ અમદાવાદ સહિત રાજયભરમાં એક બદલાવ અને સુવ્યવસ્થા અમલી બની શકી છે. જસ્ટિસ એમ.આર.શાહના બાહોશીભર્યા અંદાજ અને જ્ઞાનસભર તેમ જ અભ્યાસુ ચુકાદાઓને લઇને માત્ર ગુજરાત જ નહી પરંતુ સમગ્ર દેશના ન્યાયતંત્રમાં તેમણે એક અનોખુ ઉદાહરણ અને પ્રેરણા પૂરા પાડયા છે. ગુજરાતના ન્યાયતંત્રમાં જસ્ટિસ શ્રી એમ.આર.શાહે સોનેરી ઇતિહાસ રચ્યો છે અને ગુજરાતભરના લોકોમાં આટલી બધી લોકપ્રિયતા અને અદ્ભુત લોકચાહના મેળવનાર તેઓ એકમાત્ર જજ છે. મુખ્યમંત્રીએ આજના પ્રસંગે ગુજરાત બાર કાઉન્સીલની વેબસાઇટ પણ લોન્ચ કરી હતી. સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ.આર.શાહ અને સોલીસીટર જનરલ તુષાર મહેતાના સત્કાર સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત ગુજરાત હાઇકોર્ટના એકટીંગ ચીફ જસ્ટિસ શ્રી અનંત એસ.દવે, હાઇકોર્ટના તમામ ન્યાયમૂર્તિઓ, રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, એડવોકેટ જનરલ કમલભાઇ બી.ત્રિવેદી ઉપરાંત ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન દિપેન કે.દવે, પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા, એકઝીકયુટીવ કમીટીના ચેરમેન કરણસિંહ બી.વાઘેલા, પૂર્વ ચેરમેન વિજય એચ.પટેલના સહિતના અનેક મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા.