અમદાવાદ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સરદાર સાહેબની પુણ્યતિથિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા હતા અને ભાવભિની શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિએ આ પ્રસંગે આયોજિત જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. કોવિંદની ઉપસ્થિતિમાં સરદાર સ્મરણાંજલિ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાર્થના સ્થળે રાષ્ટ્રપતિએ તેમના ધર્મપત્ની સવિતા દેવી સાથે સરદાર સાહેબની તસવીરને ફુલો અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. સરદાર પટેલના વંશજા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિએ સરદાર સાહેબને યાદ કરતા કહ્યું હતું કે તેમની દ્રઢ ઈચ્છા શક્તિ અને નિર્ણયાક નેતૃત્વ ક્ષમતાથી સંગઠિત ભારતનું સ્વરૂપ ઉભું થયું હતું. મહાત્મા ગાંધી અને સરદાર વગર આધુનિક ભારતની કલ્પના અશક્ય છે તેમ રાષ્ટ્રપતિએ કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટ માત્ર ભારત માટે જ નહીં બલ્કે સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.
એક પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસી રહ્યું છે. કેવળીયામાં અતિ આધુનિક રેલવે સ્ટેશન સાકાર થતા આ વિસ્તારમાં ગતિ આવશે. કેવડીયામાં રાષ્ટ્રપતિના હસ્તે ૨૦ કરોડના ખર્ચે તૈયાર થનાર રેલવે સ્ટેશનનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રેલવે મંત્રી પિયુષ ગોયલની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. રાજ્યપાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિએ વોલ ઓફ યુનિટી તેમજ વેલી ઓફ ફ્લાવર્સની પણ મુલાકાત લઈને વૃક્ષારોપણ કર્યું હતું. વેલી ઓફ ફ્લાવર્સનો નજારો માણતા મહામહીમ રોમાંચિત થઈ ગયા હતા. નર્મદાના કાંઠે દુનિયાભરના ૧૦૦થી વધુ પ્રજાતિના રંગબેરંગી ફુલોથી આચ્છાતિ વેલીને કોવિંદે તેમના પરિવાર સાથે રમસપૂર્વક નિહાળ્યું હતું. કોવિંદે પવિત્ર પીપળાના વૃક્ષનું વાવેતકર કર્યું હતું. જેના જતનની જવાબદારી વન વિભાગ દ્વારા લેવાઈ હતી. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે આ વિસ્તાર ટુંકા ગાળામાં વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયો છે. દેશ વિદેશથી પ્રવાસીઓ પહોંચી રહ્યા છે.
જેથી આવનાર દિવસોમાં યાતાયાતની સુવિધા પણ વધશે. કેવડીયા આવનાર દિવસોમાં દિલ્હી-મુંબઈ રેલમાર્ગ સાથે જાડાશે. જેથી આ વિસ્તારના વિકાસને વેગ મળશે. સ્થાનિક લોકો માટે રોજગારીની વિપુલ તકો પણ સર્જાશે. કેવડીયા આધુનિક વિકાસ અને પર્યાવરણ સંતુલનનું સમગ્ર દેશમાં ઉત્તમ ઉદાહરણ બની રહેશે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે સરદાર સરોવર યોજનાના વિસ્થાપિતો માટે પણ સરકારે સંવેદનશીલતાથી અસરકારક નીતિ અપનાવી છે. મુખ્યમંત્રીએ પણ પોતાના અભિપ્રાય રજુ કર્યા હતા. કાર્યક્રમમાં ગુજરાત સરકારના તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા