ગુજરાતની મુલાકાતે આવેલા ભારતના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ગોંડલના શ્રી અક્ષર પુરૂષોત્તમ મંદિર સ્થિત શ્રી અક્ષરદેરીમાં દર્શન-પુજા-અર્ચના કરી હતી.
ગોંડલ સ્થિત વિશ્વ વિખ્યાત અક્ષર દેરીની સાર્ધ શતાબ્દિ વર્ષની ઉજવણીમાં આજે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ, રાજ્યપાલ શ્રી ઓ. પી. કોહલી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સહભાગી બની સેવા, પવિત્રતા અને આધ્યાત્મિક્તાના નાદને બૂલંદ બનાવ્યો હતો. રાષ્ટ્રપતિશ્રીએ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનને માનવ સેવાની ભેખધારી ગણાવી હતી.
અક્ષરદેરીના સાર્ધ શતાબ્દી મહોત્સવની ઉજવણી નિમિત્તે ૧૧ દિવસના યોજાયેલ કાર્યક્રમમાં આજે અક્ષરવાડીમાં શ્રી સ્વામિનારાયણ નગર ખાતે ૨૦૦ એકરમાં ઉભા કરાયેલ સભાના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદેથી ઉદબોધન કરતા રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદે કહ્યું કે ગોંડલની અક્ષર દેરીના દર્શન કરવાનો અવસર બીજી વખત પ્રાપ્ત થયો છે. આ પૂર્વે પણ, બિહારના રાજ્યપાલની ફરજ દરમિયાન અક્ષર દેરીના દર્શન કર્યા હતા અને આ ભૂમિના પુણ્યપ્રતાપના કારણે હું થોડા દિવસો બાદ રાષ્ટ્રપતિની જવાબદેહી મળી હતી.
તસવીરમાં રાષ્ટ્રપતિ સાથે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ તથા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાં દ્રશ્યમાન થાય છે.
છબી સૌજન્યઃ માહિતીખાતુ, ગુજરાત