CBI  વિવાદ : કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે કરેલા વેધક પ્રશ્નો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નવી દિલ્હી :  સીબીઆઈમાં અધિકારીઓના વિવાદ પર સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટે મોદી સરકારને અનેક કઠોર પ્રશ્નો કર્યા હતા. સુપ્રીમ કોર્ટે સરકારને પ્રશ્ન કર્યો હતો કે, સીબીઆઈ વિરુદ્ધ સીબીઆઈ વિવાદમાં બે ટોચના અધિકારીઓ વચ્ચેની લડાઈ ચાલી રહી હતી ત્યારે વહેલીતકે નોંધ લેવામાં કેમ આવી ન હતી. આ લડાઈ રાતોરાત શરૂ થઇ ન હતી. સુપ્રીમ કોર્ટે પ્રશ્ન કરતા કહ્યું હતું કે, આ એવો મામલો ન હતો જેમાં સરકારને પસંદગી કમિટિથી વાતચીત કર્યા વગર સીબીઆઈ નિર્દેશકની શક્તિઓને તરત જ ખતમ કરવાનો નિર્ણય લેવો પડે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના ચુકાદાની સામે આલોક વર્મા અને એનજીઓ કોમનકોઝની અપીલ ઉપર સુનાવણી પૂર્ણ કરી લીધી હતી અને ચુકાદો અનામત રાખ્યો હતો.

આ પહેલા આજે સુનાવણી કરતી વેળા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વમાં બેંચે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે પોતે કબૂલાત કરી છે કે, આવી સ્થિતિ છેલ્લા ત્રણ મહિનાથી જન્મેલી હતી. બેંચે કહ્યું હતું કે, જા કેન્દ્ર સરકારે સીબીઆઈ ડિરેક્ટરના અધિકારો ઉપર અંકુશ મુકવાની જરૂર હતી તો તે પહેલા પસંદગી સમિતિની મંજુરી કેમ લેવામાં આવી ન હતી. જા પસંદગી સમિતિની મંજુરી પહેલા લેવામાં આવી હોત તો કાયદાને વધારે સારી રીતે પાલન થયું હોત. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સરકારની કાર્યવાહીની ભાવના સંસ્થાના હિતમાં હોવી જાઇએ. સીબીઆઇ વિવાદની સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટનું વલણ ખુબ કઠોર રહ્યું હતું. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ સોલીસીટર જનરલ તુષાર મહેતાને પ્રશ્ન કર્યો હતો કે, સરકારે ૨૩મી ઓક્ટોબરના દિવસે સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્માની શક્તિ પરત લેવાનો નિર્ણય રાતોરાત કેમ લીધો હતો. ચીફ જસ્ટિસે પ્રશ્ન કર્યો હતો કે, જ્યારે વર્મા થોડાક મહિનામાં નિવૃત્ત થનાર હતા તો થોડા વધુ મહિનાનો ઇંતજાર અને પસંદગી સમિતિની ભલામણ કેમ લેવામાં આવી ન હતી.

તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને માહિતી આપતા કહ્યું હતું કે, સીવીસી આ તારણ ઉપર પહોંચ્યું હતું કે, અસામાન્ય સ્થિતિ ઉભી થઇ ગઇ છે. તેમણે કહ્યું હતું કે, અસામાન્ય પરિસ્થિતિને ક્યારેક ક્યારેક અસામાન્ય ઉપચારની જરૂર પડે છે. સોલીસીટર જનરલે કહ્યું હતું કે, સીવીસીનો આદેશ નિષ્પક્ષ હતો. બે વરિષ્ઠ અધિકારી લડી રહ્યા હતા. મહત્વપૂર્ણ કેસોને બાદ કરતા એકબીજાના મામલામાં તપાસ કરી રહ્યા હતા. કેન્દ્ર સરકારે બુધવારના દિવસે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાની વચ્ચે એટલા માટે દરમિયાનગીરી કરવામાં આવી હતી કે, બંને બિલાડીની જેમ લડી રહ્યા હતા. કેન્દ્ર સરકારની મુખ્ય તપાસ સંસ્થાની વિશ્વસનીયતા ઉપર પ્રશ્નો ઉભા થઇ રહ્યા હતા. બુધવારના દિવસે સુનાવણી દરમિયાન કેકે વેણુગોપાલે તર્કદાર રજૂઆતો કરી હતી અને કહ્યું હતું કે, સરકાર આશ્ચર્યચકિત હતી કે આ બે અધિકારીઓ કેમ લડી રહ્યા છે. વેણુગોપાલે કહ્યું હતું કે, સરકારે પોતાના અધિકાર ક્ષેત્રમાં રહીને કામ કર્યું છે. ૨૯મી નવેમ્બરના દિવસે વર્માની શક્તિઓ આંચકી લેવાના સરકારના પગલાને અયોગ્ય ગણાવીને પ્રશ્નો ઉઠાવ્યા હતા.

 

Share This Article