નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ૧૩ દિવસ સુધી ઘટાડો કરવામાં આવ્યા બાદ બુધવારના દિવસે તેલની કિંમતોને યથાવત રાખવામાં આવ્યા બાદ આજે ગુરૂવારના દિવસે ફરી એકવાર કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. પેટ્રોલની કિંમતમાં ૩૯-૪૨ પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે ડીઝલની કિંમતમાં દેશના મોટા શહેરોમં ૪૨-૪૬ પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આજે ગુરૂવારના દિવસે પણ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડો જારી રહ્યો હતો. છેલ્લા એક મહિનામાં દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૬.૫૪ રૂપિયા અને ડીઝલની કિંમતમાં ૬.૪૩થી વધુનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. સતત ઘટાડાના કારણે એકબાજુ ડીઝલની કિંમત હવે ત્રણ મહિનાની નીચી સપાટી પર પહોંચી છે.
આવી જ રીતે પેટ્રોલની કિંમતમાં આઠ મહિનાની નીચી સપાટી જાવા મળી રહી છે. ઓક્ટોબર મહિનામાં સૌથી ઉંચી સપાટી પર પહોંચી ગયા બાદથી તેમાં ૩૧ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા ૪૩ દિવસના ગાળામાં જ ક્રુડ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. તેલ કિંમતોમાં ઘટાડાના પરિણામ સ્વરુપે વાહન ચાલકોને સતત રાહત મળી રહી છે. દેશભરમાં નવેમ્બર મહિનામાં હજુ સુધી પેટ્રોલની કિંમતમાં પાંચ રૂપિયાથી વધારે અને ડીઝલની કિંમતમાં ૪.૩૦થી વધુનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે. છેલ્લા એક મહિનાના ગાળામાં પેટ્રોલની કિંમતમાં આઠ અને ડીઝલની કિંમતમાં છ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે.
૧૭મી ઓક્ટોબર બાદથી પેટ્રોલમાં આઠ રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો છે. અમેરિકા અને ચીન વચ્ચે સ્થિતી હવે હળવી થઇ રહી છે. તેલ કિંમતોમાં હજુ વધુ એક… ઘટાડો થવાના સંકેત દેખાઇ રહ્યા છે.આજના કાપ બાદ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં નોન બ્રાન્ડેડ પેટ્રોલની કિંમત ૪૦ પૈસા ઘટીને ૭૧.૩૨ની સપાટી પર પહોંચી ગઇ હતી. દિલ્હીમાં ડીઝલની કિંમત ૪૩ પૈસા ઘટીને ૬૫.૯૬ની સપાટી પર રહી હતી. મુંબઇમાં પેટ્રોલની કિંમતઆજે ૮૬.૯૦ની સપાટી પર રહ્યો હતો. ચેન્નાઇ અને કોલકત્તા જેવા અન્ય મોટા શહેરમાં પણ કિંમતોમાં ઘટાડો થયો હતો. તેલ કિંમતોમાં હાલના ઘટાડાના કારણે સામાન્ય લોકોને રાહત થઇ છે.