અમદાવાદ : નારાયણસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવનો આજથી દસ દિવસ માટે પ્રારંભ થયો છે. રાજકોટના સ્વામિનારાયણનગરમાં યોજાયેલા દશ દિવસીય ઉજવણી મહોત્સવનો પ્રારંભ સવારે મહંતસ્વામી મહારાજ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદહસ્તે કરાયો હતો. સ્વામિનારાયણનગરના ઉદ્ઘાટન સમયે મુખ્યપ્રધાન ઉપરાંત અન્ય રાજકીય આગેવાનો-સરકારી અધિકારીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી
આ પ્રસંગ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યને સંસ્કારીતા અને વ્યસન મુક્તિનો રાહ પ્રમુખસ્વામી મહારાજ જેવા સંતોએ બતાવ્યો છે. રાજ્યના વિકાસમાં આવા સંતોનું યોગદાન મહત્વનું છે. પ્રમુખસ્વામી મહારાજનું સમગ્ર જીવન જ પ્રેરણારૂપ અને આશીર્વાદ સમાન છે. આ પવિત્ર મહોત્સવ અહીં ઉજવાઇ રહ્યો છે તે બાબતે રાજકોટના એક નાગરિક તરીકે મને આનંદ છે તેમના અલૌકિક આર્શીવાદ હંમેશા આપણી સાથે રહેશે. આ અંગે મહંતસ્વામીએ જણાવ્યું હતું કે ચાર ડી નો સંયોગ સર્જાયો છે, ડિટર્મિનેશન (નિર્ણયશક્તિ), ડેડિકેશન (સમર્પણ), ડિસિપ્લિન (શિસ્ત) અને ડિવોશન (ભક્તિ)ના રચાનારા સંગમમાં આવનારા હરિભક્તો અને મુલાકાતીઓ પણ બાકાત નહીં રહે, કેમ કે સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક પાયાના સિદ્ધાંતો પૈકીની આ આધારશિલા છે. રાજકોટની માધાપર ચોકડી નજીક પ૦૦ એકરમાં આજથી દસ દિવસ ચાલનારા આ આધ્યાત્મિક મહોત્સવમાં દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં હરિભક્તો જોડાયા છે. વિશ્વભરમાં ફેલાયેલા બીએપીએસ સંપ્રદાયના ભારત સહિત અમેરિકા, કેનેડા, આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, લંડન, યુરોપના મળી ૮૦૦ સંતો મહોત્સવમાં જોડાયા છે. સ્વામિનારાયણનગરમાં વિશ્વશાંતિ મહાયજ્ઞ, પ્રેરક સાંસ્કૃતિક સહિતના અનેકવિધ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં હરિભક્તો જોડાશે.
બાળકોને સંસ્કાર, યુવાનોને ચારિત્રના પાઠ દૃઢાવતા સ્વામિનારાયણનગરમાં બનેલા ૬ પ્રદર્શનખંડમાં આધ્યાત્મિક અને સામાજિકતાનાં મૂલ્યોનું ભાવિકો ગ્રહણ કરશે. સ્વામિનારાયણનગરમાં ૧૪ હજાર પુરુષ, ૮ હજાર મહિલા મળી કુલ રર હજાર જેટલા સ્વયંસેવકો કે જેમાં ડોક્ટર, એન્જિનિયર જેવા હરિભક્તો સ્વયંસેવક તરીકે સેવા આપી રહ્યા છે. સ્વામિનારાયણનગર અને પ્રદર્શન નિહાળવા માટે એક લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને દસ દિવસ દરમિયાન ર૦ લાખથી વધુ ભાવિકો સ્વામિનારાયણનગરની મુલાકાત લે તેવી સંભાવના અપૂર્વમુનિ સ્વામીએ વ્યક્ત કરી છે. દરમ્યાન રાજકોટ જિલ્લા અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહોત્સવના ૧૦ દિવસના કાર્યક્રમમાં સીએમ વિજયભાઇ રૂપાણી અને અન્ય પ્રધાનો અલગ-અલગ દિવસે ઉપસ્થિત રહેવાના છે, પરંતુ જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના કારણે આચારસંહિતા અમલમાં હોવાથી ચૂંટણીપંચની સૂચના મુજબ તેમને પ્રોટોકોલની સુવિધા અપાશે નહીં. પોલીસ બંદોબસ્ત આપવામાં આવશે.