વડોદરાઃ ‘પીપળ પાન ખરંતા હસતી કુંપળીયા.. મુજ વીતી તુંજ વિતશે ધીરી બાપુડીયા ધીરી… ‘ ગુજરાતી સાહિત્યની આ પંક્તિનો ભાવ શું કહેવા માંગે છે, તેનાથી ભાગ્યે જ કોઇ વ્યક્તિ અજાણ હશે, પણ આ ભાવને સમજે છે કેટલા? આજ કથા વસ્તુને લઇને આવી રહી છે પ્રશાંત સાળુંકે પ્રસ્તુત શોર્ટ ફિલ્મ ‘અમારૂં કોણ?, જે 3 ડિસેમ્બરના રોજ યુટ્યુબ પર રજૂ કરવામાં આવી છે.
સર્વ ભાષાની જન્માત્રી એવી સંસ્કૃત ભાષામાં સબ-ટાઇટલ્સ રજૂ કરવાનો એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. આ પ્રયોગ પાછળનો હેતુ માત્ર ને માત્ર સંસ્કૃત ભાષા પ્રત્યે લોકોમાં રસ કેળવાય તે રહેલો છે. સંસ્કૃત ભાષા ઉપરાંત આ ફિલ્મ ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજી ભાષામાં સબ-ટાઇટલ્સ સાથે પણ રજૂ કરવામાં આવી છે.
સર્વ સમાજિક રીતે સમાજનો મોટો પડકાર હોય છે વૃદ્ધત્વ. જિંદગીના પાછલા પડાવમાં વડિલોને જરૂર હોય છે હૂંફની, લાગણીની અને કાળજીની. તેઓને પોતાને એ અનુભવ થવો જોઇએ કે તેઓ એ સમ્માનનીય જીવન જીવી રહ્યાં છે. ‘અમારૂં કોણ? શોર્ટ ફિલ્મ વૃદ્ધત્વના વિષયના બન્ને પાસાને સારી રીતે રજૂ કરે છે.
પોતાની ફિલ્મ વિશે જણાવતા ડાયરેક્ટર, લેખક, નિર્માતા અને એડિટર પ્રશાંત સાળુંકે જણાવ્યું, “એક લેખક અને ફિલ્મ નિર્માતા તરીકે હું સતત એ વાતની કાળજી લઉં છું કે મારી કૃતિઓ સમાજ ઉપયોગી બની રહે. તે લોકોને મનોરંજનની સાથે ઉમદા સંદેશ આપે તેમજ મારી કૃતિ પાછળ વાંચક કે દર્શકે આપેલો સમય તેમના માટે સાર્થક બની રહે. મારી કૃતિ કોઈ દુ:ખીયારાના જીવનમાં આશાનું કિરણ બની તેના જીવનને ઉજાળે ત્યારે હું સમજીશ કે મારી મહેનત સાચા અર્થમાં ચરિતાર્થ થઇ.”
‘અમારૂં કોણ? રજૂઆતની સાથે જ વ્પાપક પ્રશંસા અને પ્રતિભાવ પ્રાપ્ત કરી રહી છે. ખરેખર ‘અમારૂં કોણ? શોર્ટ ફિલ્મ ખરા અર્થમાં જોવા જેવી ફિલ્મ તો છે જ પણ સમજવા જેવી પણ છે.
પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે યોગી પ્રશાંતનાથ જ્યોતિનાર્થ તરીકે પણ પ્રચલિત છે.
ખબરપત્રીના વાંચકો માટે પ્રરસ્તુત છે ફિલ્મ – ‘અમારૂં કોણ?’