અમદાવાદ : શહેરના બિસ્માર રસ્તાઓ અને રખડતા ઢોર અંગેના કેસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એક મહત્વનો એકશન ટેકન રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં અમ્યુકો તરફથી હાઇકોર્ટ સમક્ષ આંકડાકીય માહિતી સહિતની વિગતો રજૂ કરવામાં આવી હતી. અમ્યુકો તરફથી હાઇકોર્ટને જણાવાયું હતું કે, છેલ્લા બે મહિનામાં રખડતા ઢોર સહિતના મામલે ૧૩૦ એફઆઇઆર નોંધવામાં આવી છે. તો, શહેરમાં કોર્પોરેશને રસ્તાઓનું ૫૨,૪૩૬ મેટ્રિક ટનનું કામ પૂર્ણ કર્યું છે. છેલ્લા બેથી ત્રણ મહિના દરમ્યાન શહેરના જુદા જુદા વિસ્તારમાં ગેરકાયદે દબાણો અને પા‹કગને લઇ અમ્યુકો તંત્ર દ્વારા ૬૯ હજાર ચો.મીના પટ્ટામાં ગેરકાયદે પાર્કિગ અને દબાણો દૂર કરવામાં આવ્યા છે.
આ મામલે કુલ રૂ.૨૬.૭૯ લાખથી વધુની પેનલ્ટી પણ વસૂલવામાં આવી છે. હાઇકોર્ટે અમ્યુકોનો એકશન ટેકન રિપોર્ટ રેકર્ડ પર લઇ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આજે હાઇકોર્ટ સમક્ષ રજૂ કરાયેલી વિગતોમાં જણાવ્યું હતું કે, અમ્યુકો તંત્ર દ્વારા શહેરભરમાં રખડતા ઢોરોની સમસ્યાના નિવારણ માટે અસરકારક ઝુંબેશ ચલાવાઇ રહી છે અને તે માટેના પ્રયાસો પણ હાથ ધરાઇ રહ્યા છે. જેમાં ૨૮૩૪ પશુપાલકોની નોંધણી કરવામાં આવી છે, તો ૫૩૭૦ જેટલા પશુઓનું ટેગીંગ પણ કરવામાં આવ્યુ છે. હજુ આ સમગ્ર કામગીરી ચાલી જ રહી છે.
રખડતા ઢોર સહિતના મામલે અમ્યુકો દ્વારા અત્યારસુધીમાં ૧૩૦ જેટલી એફઆઇઆર નોંધાવવામાં આવી છે. તો ગેરકાયદે દબાણ અને પા‹કગ મુદ્દે પણ તંત્ર દ્વારા શહેરભરમાં અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં મળી કુલ ૬૯ હજાર ચો.મીમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા છે. આ સમગ્ર મામલે તંત્ર દ્વારા અત્યારસુધીમાં કસૂરવારો પાસેથી રૂ.૨૬.૭૯ લાખની પેનલ્ટી પણ વસૂલવામાં આવી છે. હાઇકોર્ટે અમ્યુકો તંત્રના એકશન ટેકન રિપોર્ટને રેકર્ડ પર લઇ રખડતા ઢોર, ગેરકાયદે પાર્કિગ અને દબાણો સામેની ઝુંબેશ અસરકારક રીતે ચાલુ રાખવા અને જરૂરી પગલાં લેવા નિર્દેશ કરી કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી હતી.