અમદાવાદ : લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડમાં ગાંધીનગર જિલ્લા પોલીસની શહેર ક્રાઇમ બ્રાંચ અને એટીએસની મદદથી હાથ ધરાયેલી તપાસમાં બહુ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પેપર લીક કાંડની સાથે સાથે નીચે મુજબ છે.
યશપાલસિંહનું સેન્ટર સુરત હતુ, તે ફલાઇટમાં આવ્યો
મુખ્ય આરોપી યશપાલસિંહનું પરીક્ષાનું સેન્ટર સુરત હોવાથી તે સીધો દિલ્હીથી ફલાઇટમાં બેસી વડોદરા આવ્યો હતો. જયારે દિલ્હી ગયેલા ઉપરોકત ઉમેદવારોમાંથી ત્રણેક ઉમેદવારો પણ જયપુરથી ફલાઇટમાં બેસી ગુજરાત આવ્યા હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. ગુજરાતથી ગયેલી ચાર ગાડીઓ પૈકી એક ગાડીએ વિદ્યાર્થીઓને પાલનપુર ઉતારી દીધા હતા, જયારે બીજી ગાડીએ મહેસાણા અને અન્ય બે ગાડીઓએ ઉમેદવારોને અમદાવાદ ઉતાર્યા હતા.
ઉમેદવારોએ દિલ્હીની ગેંગને પાંચ લાખના કોરા ચેક આપ્યા
દિલ્હીની ગેંગ અને ગુજરાતના ઉમેદવારો વચ્ચે જે ડીલ નક્કી થઇ હતી તે મુજબ, એલઆરડી પરીક્ષાના ઉમેદવારોએ દિલ્હીની ગેંગને પાંચ-પાંચ લાખ રૂપિયાના કોરા ચેક આપ્યા હતા. શરત એ હતી કે, પેપર પૂર્ણ થઇ જાય અને લીક થયેલા પ્રશ્નો સાચા નીકળે ત્યારે દિલ્હીની ગેંગના સભ્યો દ્વારા આ કોરા ચેકમાં નામ લખી તેમના કોઇપણ ખાતામાં ડિપોઝીટ કરી દેવામાં આવશે.
દિલ્હી ગેંગના સભ્યો સહિતના આરોપીઓ પણ પકડાશે
એલઆરડી પેપર લીક કૌભાંડમાં હવે પોલીસે ગુજરા, દિલ્હી સહિત અન્ય રાજયોમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે આજે પકડાયેલા વધુ ચાર આરોપીની પૂછપરછના આધારે દિલ્હીની ગેંગના આરોપી સભ્યોને પકડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે. પ્રકરણમાં પોલીસ દિલ્હીના નેટવર્કની લીંક સહિતની કડીઓ પણ મેળવી લીધી છે અને ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરી લેશે તેવો દાવો કર્યો છે. પોલીસે આજે એ પણ સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે, પેપર લીક કૌભાંડમાં હજુ ઘણા આરોપીઓની ધરપકડ થશે.
નીલેશ નામના આરોપીએ બધાના મોબાઇલ ઓફ કરી દીધા હતા
ગુજરાતના એલઆરડી પરીક્ષાના ઉમેદવારોને દિલ્હી કારમાં લઇ જવાતા હતા ત્યારે ચિલોડાથી આગળ રાજેન્દ્રનગર ચોકડી નેશનલ હાઇવે નંબર-૮ પાસે જ એક નીલેશ નામના આરોપીએ ગાડીમાં બેઠેલા તમામ ઉમેદવારોના મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધા હતા. નીલેશે તમામ ઉમેદવારોના આઇકાર્ડ અને પુરાવા પણ જપ્ત કરી લીધા હતા ત્યારબાદ જ તેઓને દિલ્હીના રૂટ તરફ આગળ મોકલાયા હતા. પોલીસે તપાસના ભાગરૂપે નીલેશનું પૂરૂં નામ અને ઓળખ ઉજાગર કર્યા નથી કારણ કે, ટૂંક સમયમાં પોલીસ આ નીલેશ નામના આરોપીને પણ સંકજામાં લઇ લેશે.