નવીદિલ્હી : મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણી બાદ ૧૧મી ડિસેમ્બરના દિવસે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. મતગણતરીને લઇને કેટલાક નવા આદેશો જારી થઇ રહ્યા છે. મધ્યપ્રદેશમાં ૧૧મી ડિસેમ્બરના દિવસે મતગણતરીના કેન્દ્રો ઉપર કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓને પ્રવેશ કરવાની મંજુરી આપવામાં આવશે નહીં.
મંત્રી માત્ર મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ કરી શકશે જે ક્ષેત્રમાંથી તેઓ વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર છે. મુખ્ય ચૂંટણી અધિકારી કચેરી તરફથી જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્રીયમંત્રી અને રાજ્યોના મંત્રી એવા જ મતગણતરી કેન્દ્રોમાં જઇ શકશે જ્યાં તેઓ ઉમેદવાર છે. ૧૧મી ડિસેમ્બરના દિવસે મતગણતરી થનાર છે જેના ઉપર તમામની નજર રહેશે. ૧૧મી નવેમ્બરના દિવસે મધ્યપ્રદેશમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે.