અમદાવાદ : રાજ્યમાં લોક રક્ષકદળ(એલઆરડી)ની પરીક્ષાનું પેપર લીક કરવાના ચકચારભર્યા પ્રકરણમાં ધરપકડ કરાયેલા ચાર આરોપીઓની ભૂમિકા અને પરિચય સામે આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે. કારણ કે, ચારે ચાર આરોપીઓ કોઇકને કોઇક સારા હોદ્દા અને પ્રતિષ્ઠા ધરાવતા હતા પરંતુ અંગત સ્વાર્થમાં અને શોર્ટ કર્ટ અપનાવી પાસ થવાની લાલચમાં બધા ફસાઇ ગયા હતા અને કેટલાય લોકોની જીંદગી બરબાદ કરી નાંખી છે. જે ચાર આરોપીઓ ધરપકડ કરાયા છે, તેમાં મુકેશ ચૌધરી અને રૂપલ શર્મા પોતે લોકરક્ષક દળના ઉમેદવાર હતા તો, પીએસઆઇ પી.વી.પટેલ તેના બે સગાને મદદ કરવા માટે પેપરના જવાબો મેળવવામાં પોતે ફસાઇ ગયા હતા. જયારે પેપર લીક કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કે જે દિલ્હીથી પેપર અને જવાબો લઇને ફલાઇટમાં વડોદરા આવ્યો હતો, તે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જા કે, પોલીસ તેને ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લેશે તેવો દાવો કર્યો હતો.
આરોપી મનહર પટેલ
આરોપી મનહર પટેલનું નામ ટાટની પરીક્ષાનું પેપર લીક કરવામાં પણ આવી ચૂકયું છે. અરજણ વાવ ગામનો રહેવાસી મનહર રણછોડભાઈ પટેલ ભાજપમાંથી બાયડ નગરપાલિકા ચૂંટણી લડી ચૂક્યો છે. તેને ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે ધરોબો હોવાનું પણ કહેવામાં આવે છે. પેપરલીકમાં નામ ખુલતાં જ મનહર પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
આરોપી મુકેશ ચૌધરી
મુકેશ વડગામ તાલુકા પંચાયત ભાજપનો સભ્ય છે. આ કેસમાં બનાસકાંઠાના એડરણાના મુકેશ મૂળજી ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી છે. મુકેશ ચૌધરી ભાજપના નેતા છે. પેપરલીક કૌભાંડમાં નામ આવતાં ભાજપ દ્વારા મુકેશ પટેલને પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
આરોપી રૂપલ શર્મા
આરોપી રૂપલ શર્મા ગાંધીનગરમાં શ્રીરામ હોસ્ટેલની રેક્ટર છે. લોકરક્ષક દળની પરીક્ષામાં તે પણ ઉમેદવાર હતી અને તેણીએ પોતાના માટે જ આ પેપરના જવાબો લીધા હતા. રૂપલ શર્માએ તેની હોસ્ટેલ પર અન્ય વિદ્યાર્થીઓને બોલાવી જવાબો વહેંચવાની વાત કરી હતી.
આરોપી યશપાલસિંહ સોલંકી
યશપાલસિંહ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન(વીએમસી)ના સેનેટરી વિભાગમાં કામ કરે છે. લુણાવાડાના છાપરી મુવાડ ગામનો રહેવાસી યશપાલસિંહ સોલંકી વીએમસીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે. તેણે જ આ પેપર લીક કર્યું હતું. પેપરના જવાબો તે દિલ્હીથી લઈને આવ્યો હતો અને આ પેપર તેણે રૂ. પાંચ લાખમાં વેચ્યું હતું. માત્ર એટલું જ નહીં, મનહર પટેલને યશપાલ સિંહે આન્સર કી આપી હતી. મનહર પટેલ મારફતે જ ચેઇન આગળ ચાલી હતી.
આરોપી પી.વી.પટેલ
આરોપી પીએસઆઇ પી.વી.પટેલ ડીએસપી ઓફિસમાં કામ કરે છે. પી.વી. પટેલ વાયરલેસ પીએસઆઇ તરીકે ફરજ બજાવે છે. તે આ પહેલા પોલીસ ભવનમાં નોકરી કરતો હતો અને પોલીસ ભરતી બોર્ડમાં પણ ફરજ નિભાવી ચૂક્યો છે. હાલ તે ડીએસપી ઓફિસમાં કામ કરે છે. પીએસઆઇ પી.વી.પટેલે તેમના બે સગાને મદદ કરવા માટે જવાબો મંગાવ્યા હતા અને તે મનહર પટેલના સંપર્કમાં પહેલેથી હતા. આ કૌભાંડમાં તેમનું નામ ખુલતાં ઉચ્ચ પોલીસ સત્તાધીશોએ તેમને તાત્કાલિક અસરથી પીએસઆઇના હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દીધા હતા.