અમદાવાદ : શહેરના ઇસનપુરના વેપારીએ આજે બપોરે ખુદ શહેર પોલીસ કમિશનર ઓફિસ ખાતે જંતુનાશક દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી. જા કે, પોલીસે સમયસૂચકતા વાપરી તાત્કાલિક વેપારીને સિવિલ હોસ્પિટલમાં ખસેડી સારવાર અપાવતાં તેનો જીવ બચ્યો હતો. જા કે, સીપી ઓફિસ ખાતે જ વેપારીના આપઘાતના પ્રયાસને પગલે સમગ્ર કચેરીમાં અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો અને પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. તેની દુકાનમાં ચોરી થઈ હતી અને તેના ભાઈઓએ જ ચોરી કરી હતી તેની ફરિયાદ ઇસનપુર પોલીસે ન લેતાં આજે તેને આ પગલું ભર્યું હતું.
વેપારીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું ડોકટરોએ જણાવ્યું છે. આ અંગેની વિગત એવી છે કે, શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા જયમીનભાઈ ઝઘડિયાની દુકાનમાંથી ગત તા.૨૦ નવેમ્બરે ચોરી થઈ હતી. વેપારીનો આક્ષેપ છે કે તેના ભાઈઓએ દુકાનમાંથી ચોરી કરી હતી અને તેઓ જયારે ચોરીની ફરિયાદ નોંધાવવા માટે તેઓ ઇસનપુર પોલીસ સ્ટેશન ગયા હતા ત્યારે પોલીસે ફરિયાદ લીધી ન હતી.
વારંવારના પ્રયાસ છતાં પોલીસ તરફથી કોઇ સહકાર નહી મળતાં આખરે સીસ્ટમથી ત્રસ્ત થયેલા વેપારીએ આજે અચાનક શાહીબાગ સ્થિત અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરી ખાતે પહોંચી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. વેપારીએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી અને પોલીસે તાત્કાલિક જ વેપારીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જયાં વેપારીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. જા કે, આ બનાવને પગલે સમગ્ર સીપી ઓફિસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને તંત્ર દોડતું થઇ ગયું હતું.