જયપુર : ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં કુંદા વિધાનસભા સીટથી અપક્ષ ઉમેદવાર રઘુરાજ પ્રતાપસિંહ ઉર્ફે રાજા ભૈયાએ આજે લખનૌના રામાબાઈ પાર્કમાં પોતાની રાજકીય પાર્ટીની વિધિવત જાહેરાત કરી હતી. રાજા ભૈયાની રાજકીય કેરિયરના ૨૫ વર્ષ પુરા થઈ ચુક્યા છે. આ ગાળા દરમિયાન તેઓએ રેલી મારફતે પોતાની રાજકીય તાકાતનો પરિચય કરાવ્યો છે. સાથે સાથે દાવો કર્યો હતો કે લખનૌમાં આયોજિત કાર્યક્રમમાં સામેલ થવા માટે ચાર લાખ લોકો એકત્રિત થયા હતા.
જનસત્તા નામથી રાજકીય પાર્ટીની જાહેરાત કર્યા બાદ રેલીને સંબોધતા રઘુરાજ પ્રતાપસિંહે કહ્યું હતું કે તેમની પાર્ટી મજુરો, ખેડુતો અને જવાનોને પોતાની સાથે જાડવાનું કામ કરશે. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે દેશના તમામ રાજકીય પક્ષો આજે નફરત ફેલાવી રહ્યા છે પરંતુ જનસત્તા તમામને એક સાથે લાવવાના ઉદ્દેશ્યથી કામ કરશે. રાજા ભૈયાએ કહ્યું હતું કે આજે એવા અનેક મુદ્દા છે જેને લઈને રાજકીય પક્ષો મૌન છે પરંતુ તેમની પાર્ટી આ તમામ મુદ્દાઓને ઉઠાવશે.