અમદાવાદ : ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના આંકોલાળી ગામના દલિત યુવાનને ૨૦૧૨માં જીવતો સળગાવી અમાનવીય અત્યાચાર ગુજારવાના ચકચારભર્યા કેસમાં ૧૧ આરોપીઓને આજે ઉના સેશન્સ કોર્ટ દ્વારા એક મહત્વના ચુકાદા મારફતે આજીવન કેદની આકરી સજા ફટકારવામાં આવી હતી. જેને પગલે દલિતસમાજમાં ન્યાય મળ્યાની લાગણી ફેલાઇ ગઇ હતી. ઉના સેશન્સ કોર્ટના ચુકાદાને લઇ રાજયભરના દલિત સમાજમાં ભારે ચર્ચા ચાલી હતી અને ૧૧ આરોપીઓને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજાનો હુકમ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો હતો.
ઉનાના એડિશનલ સેશન્સ જજ એસ.એલ.ઠક્કરે જે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી તે આરોપીઓમાં ભાણા કાના, બાબુ દાના, ધીરૂ વીરા, ભીખા વીરા, રામ ભીખા, પાંચા લાખા, પ્રવીણ ધીરૂ, હમીર અરજણ, અરજણ બાબુ, ગભરૂ કાના અને લાલજી વશરામનો સમાવેશ થાય છે. એટલું જ નહી, કોર્ટે તમામ આરોપીઓને રૂ.૫૪,૫૦૦નો દંડ ફટકાર્યો છે એટલે કે, તમામ આરોપીઓનો મળી કુલ રૂ.૫,૯૯,૫૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે આ સમગ્ર કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણાવી તમામ આરોપીઓને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો હતો. ચકચારભર્યા આ કેસની વિગત એવી છે કે, ગત તા.૧૩-૯-૨૦૦૨ના રોજ લાલજીભાઇ સરવૈયા નામના દલિત યુવાનને ગામના જ એક સમુદાયના લોકોએ ભેગા મળી ઘરમાં જ જીવતો સળગાવી દીધો હકતો.
એટલું જ નહી, તેના પરિવારના બાકીના સભ્યોને પણ સામૂહિક હુમલો કરી ઢોર અને અમાનવીય માર અને અત્યાચારનો ભોગ બનાવ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે ગીર ગઢડા પોલીસ મથકમાં આઇપીસીની કલમ-૩૦૨ અને એટ્રોસીટી એકટની કલમ-૩(૨)૫ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ બનાવને પગલે રાજયભરમાં ખળભળાટ મચી ગયો હતો અને ઉનાકાંડના પડઘા દેશભરમાં પડયા હતા. બાદમાં વિવાદ વકરતાં રાજય સરકારે ૨૦૧૫માં ભોગ બનનાર પરિવારને વિસ્થાપિત જાહેર કરી તેમને ખેતી માટે ૫.૩૩ એકર જમીનની ફાળવણી પણ કરી હતી. આ કેસમાં પીડિત પરિવાર અને ફરિયાદપક્ષ તરફથી એડવોકેટ મનોજ શ્રીમાળી, ભાનુભાઇ શેખાવાએ મહત્વપૂર્ણ દલીલો કરી આરોપીઓને સખતમાં સખત સજા કરવા માંગણી કરી હતી. ફરિયાદપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીઓને આઇપીસી અને એટ્રોસીટી એકટની જાગવાઇ હેઠળ દોષિત ઠરાવી જન્મટીપની આકરી સજા ફટકારી હતી.