અમદાવાદ : શહેરમાં જૂહાપુરાના બિલ્ડર નઝીર વોરા પર ફાયરીંગ કેસની તપાસ પોલીસ કમિશનર એ.કે.સિંઘે આખરે ક્રાઇમ બ્રાંચને સોંપી છે. ઇદના બીજા દિવસે જુહાપુરામાં વહેલી પરોઢે બિલ્ડર નજીર વોરા પર ફાયરીંગ થયું હતું, જેમાં નઝીર વોરાનો આબાદ બચાવ થઇ ગયો હતો. જા કે, તાજેતરમાં રાજસ્થાન પોલીસે ગેંગસ્ટર નરેન્દ્ર પાનેરીની ધરપકડ કરી હતી. જેમાં પાનેરીએ ચોંકાવનારી કબૂલાત કરી હતી કે, તેને નઝીર વોરાની હત્યા માટે તેના બનેવી અને તેની બીજી પત્નીએ સોપારી આપી હતી. રાજસ્થાન પોલીસે નઝીર વોરાની હત્યા થઇ શકે છે તેવી દહેશત વ્યકત કરતા આ કેસની તપાસ તાત્કાલીક ધોરણે ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. નરેન્દ્ર પાનેરીએ નઝીર વોરાની હત્યા કરવા માટે ર૦ લાખ રૂપિયાની સોપારી લીધી હતી, જ્યારે આઝમખાને પ૦ લાખ રૂપિયાની સોપારી લીધી હતી.
ક્રાઇમ બ્રાંચ નરેન્દ્ર પાનેરીની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરીને તેની તપાસ કરશે. નરેન્દ્ર પાનેરીની પુછપરછમાં બીલ્ડર નઝીર વોરાની હત્યા કરવાની સોપારી તેના બનેવી મુસ્તફા ઉર્ફે લાલા વોરા તેની બીજી પત્ની યાસ્મિન શેખે આપી હોવાની કબૂલાત કરી હતી. ઇદના બીજા દિવસે બીલ્ડર નજીર વોરા વહેલી પરોઢે નમાજ પઢવા માટે એકટીવા લઇને જઇ રહ્યા હતા ત્યારે એક વ્હાઇટ કલરની કાર લઇને નરેન્દ્ર પાનેરી, લાલા ખાન અને યાસ્મિન શેખનો ભાઇ આસિફ જમાલ સિંધી આવ્યા હતા જેમાં નરેન્દ્રએ નઝીર વોરા પર ફાયરીંગ કર્યુ હતું. થોડાક દિવસ પહેલા રાજસ્થાનમાં એસટીએફની એક ગેંગસ્ટર નરેન્દ્ર પાનેરીની પિસ્તોલ સાથે ઘરપકડ કરી હતી. નરેન્દ્ર પાનેરીની પુછપરછમાં તેને કબુલાત કરી હતીકે નઝીર વોરાની હત્યા કરવા માટે લાલા વોરા અને યાસ્મિને ર૦ લાખ રૂપિયાની સોપારી આપી હતી. ઇદના બીજા દિવસે તેના પર ફાયરીંગ કર્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે નરેન્દ્રની પૂછપરછ કરી હતી. એસટીએફના પીઆઇ ગોવર્ધનસિંહે ક્રાઇમ બ્રાંચને જણાવ્યું હતું કે નજીર વોરાની હત્યા ગમે ત્યારે થઇ શકે છે.
નઝીર વોરાની હત્યાની દહેશત વ્યકત કરી હતી. ક્રાઇમ બ્રાંચના ડીસીપી દીપેન ભદ્રને જણાવ્યું છે કે નઝીર વોરા પર થયેલા ફાયરીંગ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. નઝીર વોરા પર ફાયરીંગ કરનાર નરેન્દ્ર પાનેરીની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ થશે અને આ કેસમાં આગળની તપાસ હાથ ધરવામાં આવશે.