અમદાવાદ : એકના ત્રણ ગણાં કરી આપવાની લાલચ આપી લાખો રોકાણકારોના રૂ.૨૬૦ કરોડનું ફુલેકું ફેરવનાર ગુજરાતના મહાઠગ વિનય શાહને નેપાળથી અહીં અમદાવાદ લાવવામાં હજુ થોડો વિલંબ થાય તેવી શકયતા છે. નેપાળના કાયદા અને આંટીઘૂંટીઓ વચ્ચે વિનય શાહ ત્યાં અટવાઇ પડયો છે. ભારત ખાસ કરીને ગુજરાતની તપાસનીશ એજન્સી વિનય શાહનો જેમ બને એમ જલ્દી કબજા મેળવવાની રાહ જાઇ રહી છે. વિનય શાહ ભલે નેપાળમાં પકડાઈ ગયો હોય, પરંતુ તેને નેપાળથી પરત લાવવાનું કામ એટલું સહેલું નથી. ભારત-નેપાળ વચ્ચે ૧૯૬૩ની સાલમાં થયેલી પ્રત્યાર્પણ સંધિ જ વિનયને પરત લાવવાના માર્ગમાં મોટું વિધ્ન બની રહી છે.
વિનયને ઝડપભેર ભારત લાવવા સીઆઈડી ક્રાઈમ ગમે એટલા દાવા કરે પણ હકીકત એ છે કે જે ગુના હેઠળ બંને દેશ ભાગેડુ આરોપીઓની એકબીજાને સોંપણી કરી શકે તેમાં નાણાંકીય ગોલમાલ કે છેતરપિંડીમાં સંડોવાયેલા ગુનેગારને પરસ્પર સોંપવાનો કોઇ ઉલ્લેખ નથી. સીઆઇડી ક્રાઇમે આપેલી વિગતો મુજબ વિનય નેપાળમાં ૩૧ લાખનું મૂલ્ય ધરાવતા વિદેશી ચલણ સાથે પકડાયો હોવાથી તેની સામે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેટરી એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાયદાની જોગવાઇ મુજબ આરોપી જેટલા વિદેશી ચલણ સાથે પકડાયો હોય તેના ત્રણ ગણી રકમ દંડ તરીકે ભરે તે પછી જ તેનો છૂટકારો થાય છે અને જો ન ભરે તો ૩ વર્ષની જેલની સજાની જોગવાઇ છે. હવે વિનય પાસે સજાના આ બે વિકલ્પ ઉપલબ્ધ બને તો સ્વાભાવિકપણે તે ગુજરાતમાં ગુનાની તપાસમાંથી બચવા જેલની સજાનો વિકલ્પ પસંદ કરી શકે છે. આથી સીઆઈડી ક્રાઈમ ભારત અને નેપાળ વચ્ચેની પાંચ દાયકા જૂની પ્રત્યાર્પણ સંધિનો સહારો લઇ શકે છે. જો કે આ કાયદાની જોગવાઇ એક કોઠા સમાન છે જે વિંધી શકાય તેમ નથી. ભારત-નેપાળ ૧૯૬૩ પ્રત્યાર્પણ સંધિના પરિશિષ્ટ ૨(બી)ના અનુચ્છેદ ૩ની શરતો પણ આકરી છે.
જેમાં બંને દેશ વચ્ચે નીચે ઉલ્લેખ કરાયેલા ૧૭ ગુના હેઠળના આરોપીઓની પરસ્પર સોંપણી થઈ શકે છે. જે મુજબ, હત્યા અથવા હત્યાનો પ્રયાસ કે કાવતરું, સદોષ માનવવધ, જીવલેણ ઈજાઓ પહોંચાડવી, બળાત્કાર, ધાડ પાડવી, હાઈવે પર લૂંટ, હિંસક લૂંટ-ધાડ, ઘરફોડ ચોરી, આગચંપી, સશસ્ત્ર દળોમાંથી હાંકી કાઢવા, પ્રતિબંધિત માલ-સામાનની આયાત-નિકાસ, જાહેર કર્મચારી કે અધિકારી દ્વારા ઉચાપત, રૂ. ૫૦૦થી વધુના મૂલ્યની માલ-મિલ્કત અથવા ઢોર-ઢાંખરની ચોરી, અપહરણ અથવા ગોંધી રાખવું, છેતરપિંડી, નાણાંની હેરફેર અથવા બનાવટી ચલણી નોટોને ફરતી કરવી, જાહેર કર્મચારી દ્વારા ગેરકાયદે તરફદારીનો સ્વીકાર, આ ગુનાઓ હેઠળ દોષી ઠેરવાયા બાદ સજા ભોગવતી વેળાએ જાપ્તામાંથી ભાગી જવું. આમ, આ ૧૭ ગુના હેઠળના આરોપીઓની પરસ્પર સોંપણી થઇ શકે છે. નેપાળના કાયદા મુજબ, ગુનો કર્યો હોય તે સ્થળે ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી આરોપીને અન્ય દેશમાં ટ્રાન્સફર ન કરી શકાય. નેપાળમાં ગુના બદલ કોઈ પણ આરોપી દંડ ભરે તો તેનો તાત્કાલિક છૂટકારો થાય છે અને પછી તે ગમેત્યાં જવા મુક્ત રહે છે. જો ગુનેગાર સજા ભોગવવા તૈયાર થાય તો તે સજા પૂર્ણ થયા બાદ પણ ગુનેગાર પર પોલીસની કોઈ કસ્ટડી રહેતી નથી. ગુનેગાર મુક્ત થઈ જાય તે સાથે જ તેને પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ પણ તાત્કાલિક સોંપી દેવાય છે. ગુનેગાર મુક્ત થયા બાદ તે પોતાની મરજી મુજબના કોઈ પણ દેશમાં જઈ શકે છે.