મુંબઇ : શેરબજારમાં આજે સતત ત્રીજા કારોબારી સેશનમાં તેજી રહી હતી. કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૨૦૪ પોઇન્ટ રિકવર થઇને ૩૫૭૧૭ની સપાટીએ રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટી ૪૩ પોઇન્ટ ઉછળીને ૧૦૭૨૯ની સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં ૨.૭ ટકાનો ઉછાળો રહ્યો હતો. ઇન્ફોસીસ અને ટીસીએસના શેરમાં ૪થી ૭.૫ ટકા સુધીનો ઉછાળો નોંધાય હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ક્રમશઃ ૦.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો જેથી સપાટી ૧૪૮૬૩ અને ૧૪૩૨૧ રહી હતી. યશ બેંકના શેરમાં ૧૧.૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. જેટ એરવેઝના શેરમાં ૪.૨ ટકાનો ઉછાળો રહ્ય હતો. જ્યારે અન્ય કેટલીક બેંકોના શેરમાં પણ ઉથલપાથલની સ્થિતિ જાવા મળી હતી.
એશિયન શેરબજારમાં તેજી જાવા મળી હતી. તેલ કિંમતોમાં પણ બુધવારના દિવસે એક ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. બ્રેન્ટ ક્રૂડની કિંમત હવે ઉલ્લેખનીયરીતે ઘટી રહી છે. રિઝર્વ બેંક હાલમાં વ્યાજદરો યથાવત રાખી શકે છે. માર્ચ ૨૦૧૯માં પુરા થઇ રહેલા નાણાંકીય વર્ષના બાકીના ગાળા દરમિયાન રેટ રિઝર્વ બેંક યથાવત રાખે તેવી શક્યતા છે. ફુગાવાના આંકડા ઉપર તમામની નજર કેન્દ્રિત થયેલી છે. સિંગાપોરિયન બેંક ડીબીએસ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, રેટ અંગેનો નિર્ણય મુખ્યરીતે તેલ કિંમતો અને ડોલર સામે રૂપિયાની ચાલ તેમજ ફુગાવા ઉપર આધારિત રહે છે. ઓક્ટોબર મહિના માટે ડબલ્યુપીઆઈ ફુગાવો ઉંચી સપાટીએ રહ્યો છે પરંતુ સીપીઆઈ ફુગાવો નીચી સપાટીએ રહ્યો છે.
બેંકના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષે આરબીઆઈ હવે તેની વર્તમાન પોલિસીમાં વ્યાજદરમાં કોઇ સુધારો કરે તેવી શક્યતા નહીંવત દેખાઈ રહી છે. હવે નવા સપ્તાહમાં નવેમ્બર સિરિઝના ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રાક્ટની ગુરુવારે થનારી પૂર્ણાહૂતિ ઉપર નજર કેન્દ્રીત થઇ છે. દલાલ સ્ટ્રીટમાં હાલ રોકાણકારો વધુ રોકાણ કરવાના મુડમાં દેખાઈ રહ્યા નથી. અન્ય વૈશ્વિક પરિબળો પણ અસર કરી શકે છે. શેરબજારમાં ગઇકાલે મંગળવારના દિવસે સતત બીજા દિવસે પણ રિકવરીનો દોર રહ્યો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૧૫૯ પોઇન્ટ ઉછળીને ૩૫૫૧૩ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૫૭ પોઇન્ટ ઉછળીને ૧૦૬૮૬ની ઉંચી સપાટીએ રહ્યો હતો. શુક્રવારના દિવસે ભારત બીજા ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા જારી કરવામાં આવનાર છે. કોર પરફોર્મન્સની મજબૂત સ્થિતિ વચ્ચે ૩૦મી જૂનના દિવસે પુરા થયેલા ૨૦૧૮-૧૯ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો વિકાસદર ૮.૨ ટકા દર્શાવવામાં આવ્યો હતો પરંતુ બીજી ત્રિમાસિક ગાળામાં આંકડો ૭.૨થી ૭.૯ની વચ્ચે રહી શકે છે. વૈશ્વિક ક્રેડિટ રેટિંગ સંસ્થા મૂડીના કહેવા મુજબ ૨૦૧૯-૨૦માં ભારતનો આર્થિક વિકાસદર ૭.૩ની આસપાસ થઇ શકે છે. ભારતમાં ઓક્ટોબરમાં ફિસ્કલ ડેફિસિટનો આંકડો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્પાદનનો આંકડો પણ હવે જારી કરવામાં આવનાર છે. શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી ઉતારચઢાવની સ્થિતિ છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન વિદેશી મૂડીરકાણકારોએ નવેમ્બર મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાં ૬૩૧૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. ઓક્ટોબર મહિનામાં જંગી નાણા પાછા ખેંચવામાં આવ્યા બાદ નવેમ્બર મહિનામાં ફરીવાર નાણાં ઠાલવવામાં આવ્યા છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થઇ રહ્યો છે. સાથે સાથે ડોલર સામે રૂપિયો ફરી મજબૂત બની રહ્યો છે. વિદેશી મૂડીરોકાણકારો દ્વારા ડેબ્ટ માર્કેટમાં સૌથી વધુ નાણાં ઠાલવવામાં આવ્યા છે. આંકડા દર્શાવે છે કે, પહેલીથી ૨૨મી નવેમ્બર વચ્ચેના ગાળામાં વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટી માર્કેટમાં ૯૨૩ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. જ્યારે ડેબ્ટ માર્કેટમાં ૫૩૮૭ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે જ કુલ રોકાણનો આંકડો ૬૩૧૦ કરોડ સુધી પહોંચ્યો છે. આ વર્ષે હજુ સુધી વિદેશી મૂડીરોકાણકારોએ મૂડી માર્કેટમાંથી ૯૪૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે જેમાં ઇક્વિટીમાંથી ૪૫૦૦૦ કરોડ અને ડેબ્ટમાંથી ૫૩૦૦૦ કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. વૈશ્વિક મોરચે અમેરિકા અને ચીન વચ્ચે તંગદિલી હળવી બનવાના સંકેત દેખાઈ રહ્યા છે. ઓક્ટોબર મહિનામાં ૩૮૯૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમ પાછી ખેંચી લીધા બાદ જંગી નાણાં ઠાલવવામાં આવ્યા છે. ઓક્ટોબર મહિનામાં જે નાણાં પરત ખેંચવામાં આવ્યા હતા તે છેલ્લા બે વર્ષમાં કોઇ એક મહિનામાં પરત ખેંચવામાં આવેલા સૌથી જંગી નાણા હતા. શેરબજારમાં હજુ તેજી રહે તેવા પરિબળ દેખાઈ રહ્યા છે.