સિડની : સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયન ઇલેવન વચ્ચેની મેચના પ્રથમ દિવસે રમત શક્ય બની ન હતી. ખરાબ હવામાન અને વરસાદના કારણે પ્રથમ દિવસની રમત ધોવાઈ ગઈ હતી. ચાર દિવસીય મેચ ભારત અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા માટે પ્રેક્ટિસ મેચ છે. ખાસ કરીને ભારત માટે ખુબ મહત્વપૂર્ણ છે. કારણ કે, આ મેચ બાદ ટેસ્ટ શ્રેણી શરૂ થશે. હાલમાં જ ટ્વેન્ટી શ્રેણી રમાઈ ચુકી છે જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયાએ ૧-૧ મેચ જીતી હતી.
અત્રે નોંધનીય છે કે, સિડનીમાં રમાયેલી ટ્વેન્ટી મેચોની શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં ભારતે અતિરોમાંચક મેચમાં બે બોલ ફેંકવાના બાકી હતા ત્યારે યજમાન ઓસ્ટ્રેલિયા ઉપર છ વિકેટે જીત મેળવી લીધી હતી. અગાઉની બે મેચો ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે રમાઈ હતી મેલબોર્ન ખાતે અગાઉ રમાયેલી બીજી વન ટ્વેન્ટી મેચ વરસાદના કારણે આખરે રદ કરી દેવામાં આવી હતી.
અગાઉ બ્રિસ્બેનના મેદાન પર ૨૧મી નવેમ્બરના દિવસે રમાયેલી ટ્વેન્ટી શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત ઉપર અતિરોમાંચક મેચમાં ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે ચાર રને જીત મેળવી હતી. જીતવા માટેના ૧૭ ઓવરમાં ૧૭૪ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ ૧૭ ઓવરમાં સાત વિકેટે ૧૬૯ રન કરી શકી હતી. ચાર ટેસ્ટ મેચોની શ્રેણી ત્યારબાદ રમાશે. આજે ભારતીય ટીમ પ્રથમ દિવસની રમત ધોવાઈ જતાં નિરાશ દેખાઈ હતી. ભારતીય ખેલાડીઓએ પ્રેક્ટિસનો દોર જારી રાખ્યો હતો.