અમદાવાદ : એક તરફ મ્યુનિસિપલ સત્તાવાળાઓ શહેરને દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાનો લક્ષ્યાંક રાખી તે અંગેના દાવા કરી રહ્યા છે. કેન્દ્રના સ્વચ્છતા સંરક્ષણમાં ટોપ મોસ્ટ સ્થાન મેળવવા સત્તાધીશો દ્વારા રવિવારે ટ્રીગર ઇવેન્ટની હજુ ગઇકાલે જાહેરાત કરાઇ છે,ત્યારે બીજી તરફ શહેરના વિવિધ વોર્ડમાં મ્યુનિસિપલ ઓફિસોની બહાર જ રોડ પર કેમિકલયુક્ત અને ગટરનાં ગંદા પાણી ઉભરાઇ રહ્યાં છે. અમ્યુકો તંત્રની ઘોર બેદરકારી અને બલિહારીનું આ ઉત્તમ ઉદાહરણ હોઇ સ્વચ્છતા અભિયાનના સિક્કાની બીજી બાજુની વાસ્તવિકતા ઉજાગર કરે છે. શહેરના પૂર્વ ઝોનના ઓઢવ વોર્ડની ઓફિસની સામે આજે વહેલી સવારથી ગટરમાંથી કેમિકલવાળા પાણી રોડ પર ફરી વળ્યા હતા.
આ ગટરના કેમિકલવાળા પાણીનો રેલો છેક ઓઢવ ઓફિસથી ઓઢવ ફાયર સ્ટેશનથી આગળ સુધી પહોંચ્યો હતો. મ્યુનિસિપલ ઓફિસ સામે કેમિકલયુક્ત ગટરના પાણી વહેવાથી તંત્રની આબરૂનું લીલામ થવાથી તેના પર ટ્રેકટર દ્વારા માટી ઠાલવી લોકોની આંખમાં ધૂળ ફેંકવાનો બાલીશ પ્રયાસ પણ સ્થાનિક અધિકારીઓ દ્વારા કરાયો હતો. તો સ્થાનિક લોકોએ પણ ગટરના ગંદા પાણી જાહેર માર્ગો પર ફરી વળતાં રોષ ઠાલવ્યો હતો. બીજી તરફ દક્ષિણ ઝોનમાં આવેલા દાણીલીમડા વોર્ડની ઓફિસની બહાર છેલ્લા ૧૦ દિવસથી ગટરના ગંદા પાણી વહી રહ્યા છે.
આ ઓફિસમાં હેલ્થ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને ઇજનેર વિભાગના ઉચ્ચ અધિકારીઓ બેસતા હોવા છતાં હજુ સુધી તંત્રના એક પણ વિભાગને ગટરના વહેતા પાણી રોકવાનું સૂઝ્યું નથી, જેના કારણે વિવિધ કામથી આવતા શહેરીજનો, ઉપરાંત સ્ટાફને પણ ગટરના ગંદા પાણીમાંથી પસાર થઇને ઓફિસમાં જવાની ફરજ પડે છે. આવા માહોલમાં શહેર દેશનું સૌથી સ્વચ્છ શહેર કેવી રીતે બનશે તેવો વેધક સવાલ પણ લોકો પૂછી રહ્યા છે. તો સાથે સાથે શહેરમાંથી ગંદકી અને પ્રદૂષણનું વાતાવરણ નિવારવાના અસરકારક પ્રયાસો નિષ્ઠાપૂર્વક હાથ ધરવા પણ જાગૃત નાગરિકોએ અમ્યુકો સત્તાવાળાઓને ઉદ્દેશીને માંગણી ઉચ્ચારી હતી.