અમદાવાદ : રાજ્યભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા રૂ.ર૬૦ કરોડના કૌભાંડનો માસ્ટર માઇન્ડ અને ગુજરાતનો મહાઠગ વિનય શાહ તેની મહિલા મિત્ર ચંદા થાપા સાથે ગઇકાલે નેપાળથી ઝડપાયા બાદ આજે સોથી વધુ રોકાણકારો ખૂબ મોટી સંખ્યામાં ગાંધીનગર સ્થિત સીઆઇડી ક્રાઇમની કચેરી ખાતે ઉમટયા હતા. પૈસા મળવાની આશાએ રોકાણકારોએ જારદાર રીતે સીઆઇડી ક્રાઇમની કચેરીએ ભારે ધસારો સર્જયો હતો. ખુદ પોલીસ અધિકારીઓ પણ રોકાણકારોના ધસારા અને તેમના રોષને ખાળવામાં એક તબક્કે ફાંફે ચઢી ગયા હતા. જા કે, સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ આજે ૧૦૦ જેટલા રોકાણકારોના નિવેદન અને વધારાના નિવેદન નોંધી તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો છે.
બીજીબાજુ, વિનય શાહને અમદાવાદ લાવવાની રાહ જાવાઇ રહી છે ત્યારે હજુ કેટલીક કાયદાકીય પ્રક્રિયા સહિતની ઔપચારિકતાને લઇ વિનય શાહને અહીં લાવવામાં હજુ થોડો વિલંબ થાય તેવું મનાઇ રહ્યું છે. જા કે, તપાસનીશ એજન્સી શકય એટલી ઝડપથી તેને અહીં લાવવા પ્રયાસો કરી રહી છે. ગઇકાલે વિનય શાહની નેપાળની પોખરા પોલીસે ધરપકડ કરી હતી અને તેની પાસે નેપાળની ચલણી નોટ તેમજ વિદેશી ચલણી નોટ હોવાથી નેપાળના રેવન્યૂ ડિપાર્ટમેન્ટે તેની કસ્ટડી લીધી છે. લાખો રૂપિયા સાથે ઝડપાયેલા વિનય શાહની નેપાળની રેવન્યૂ ડિપાર્ટમેન્ટ પૂછપરછ કરશે અને તેના વિરુદ્ધમાં કાયદેસરની કર્યવાહી કરશે. વિનયની કસ્ટડી નેપાળ પોલીસ અને રેવન્યૂ ડિપાર્ટમેન્ટ પાસે રહેતા રાજ્યની સીઆઇડીને તેની ધરપકડ કરવા માટે વિલંબ થશે. નેપાળના અલગ કાયદા કાનૂન હોવાના કારણે વિદેશ મંત્રાલયની ભલામણ બાદ રાજ્યની સીઆઇડીને વિનયની કસ્ટડી મળે તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર નેપાળમાં વિનયનો કેસ પૂરો ના થાય ત્યાં સુધી તેની સીઆઇડી તેની ધરપકડ કરી શકે નહીં. ઉલ્લેખનીય છે કે, વિનય સાથે નેપાળી યુવતી ચંદા થાપા પણ પકડાઈ છે. વિનય રંગીલા મિજાજનો છે, કારણ કે સ્પા સેન્ટરમાં જવું, કેસિનો અને ડાન્સ બારમાં રૂપિયા ઉડાડવા તે વિનયના શોખ રહ્યા છે. અમદાવાદના કેટલાય સ્પા સેન્ટરમાં વિનય શાહ પરપ્રાંતીય યુવતીઓના હાથે મસાજ કરાવવા જતો હતો અને તેને રૂપિયા તેમજ મોંઘીદાટ ગિફ્ટ આપતો હતો. વિનય જ્યારે દિલ્હી કામ માટે જતો હતો ત્યારે તે એક નિયત કરેલા સ્પા સેન્ટરમાં જતો હતો જ્યાં તેનો સંપર્ક ચંદા સાથે થયો હતો. કૌભાંડ આચરીને વિનય પહેલાં દિલ્હી ગયો અને ત્યારબાદ ચંદા સાથે નેપાળ ભાગી ગયો હતો. નેપાળમાં ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવીને વિનય ચંદા સાથે વિદેશમાં ભાગી જવાનો પ્લાન બનાવતો હતો. વિનય પાસે નેપાળની ચલણી નોટ તેમજ વિદેશી ચલણી નોટ સહિત ૩૧ લાખ રૂપિયા હતા. વિનય પાસેથી ડોલર, પાઉન્ડ, યુરો તેમજ નેપાળી ચલણી નોટો સહિત ભારતીય ચલણ નોટો મળી આવી હતી. હવે રોકાણકારો પણ વિનય શાહ પકડાતાં તેમના પૈસા પાછા કયારે મળે તેની ભારે ઉત્સુકતાપૂર્વક અને આતુરતાપૂર્વક રાહ જાઇને બેઠા છે.