નવીદિલ્હી : માર્ચ મહિનાના અંત સુધી સરકાર સરકારી બેંકોમાં ૪૨૦ અબજ રૂપિયા ઠાલવવાની યોજના ધરાવે છે. આગામી મહિનાની શરૂઆતમાં થોડાક નાણાં જારી કરવામાં આવનાર છે. નાણાં મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, સરકારે પાંચ પીએસબી પંજાબ નેશનલ બેંક, અલ્હાબાદ બેંક, ઇન્ડિયન ઓવરસીસ બેંક, આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકમાં ૧૧૩.૩૬ અબજ રૂપિયા ઠાલવી દીધા છે. તેમની નાણાંકીય સ્થિતિને સુધારવા માટેઆ જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા. નાણાં મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે, ડિસેમ્બરના મધ્ય સુધી પણ નાણા ઠાલવવામાં આવનાર છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં મૂડી તરીકે ૪૨૦ અબજ રૂપિયા ઠાલવવામાં આવનાર છે. તેમણે કહ્યું છે કે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેંક જેવી મોટી પીએસબીને માર્ચ ૨૦૧૯માં પુરા થતા નાણાંકીય વર્ષમાં મૂડી ઠાલવવાની વધારે જરૂરિયાત દેખાઈ રહી નથી. અધિકારીઓનું કહેવું છે કે, એસબીઆઈ અને પીએનબી જેવી કેટલીક મોટી બેંકો પણ નાણાંની જરૂરિયાતને લઇને વધુ ઉત્સાહિત નથી. સરકાર પાસેથી તેમને વધારે નાણાંની જરૂર નથી. ૨૦૧૮-૧૯માં સરકાર પાસેથી મૂડીની જરૂર પડશે નહીં.
પીએનબીને હજુ સુધી બે વખત નાણાં મળી ચુક્યા છે. સરકારી બેંકોને તેમની મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા ઓછા નાણાંની જરૂર છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગયા સપ્તાહમાં જ વૈશ્વિક ધારાધોરણોને પહોંચી વળવા તેમના માટેની સમય મર્યાદાને મોકૂફ કરવાનો ઇન્કાર કર્યો હતો. રેટિંગ એજન્સી મૂડીના લોકોનું કહેવું છે કે, આરબીઆઈ બોર્ડનો નિર્ણય બેંકો માટે સમય મર્યાદાને વધુ વધારવા માટેનો રહ્યો છે. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં સરકારે ૨.૧૧ ટ્રિલિયનની મૂડી ઠાલવી હતી. ૧.૩૫ ટ્રિલિયન રૂપિયા પૈકી સરકારે બોન્ડ મારફતે ૮૨૦ અબજ રૂપિયા પહેલાથી જ આપી દીધા છે. સરકાર સરકારી બેંકોની સ્થિતને સુધારવા માટે પહેલા પણ સંકેત આપી ચુકી છે.