અમદાવાદ : અમદાવાદના થલતેજમાં આર્ચર કેર નામની ઓફિસ ખોલીને ટૂંકી મુદતમાં એકના ત્રણ ગણા પૈસા કરી આપવાના નામે રૂ. ૨૬૦ કરોડની ઠગાઈનો માસ્ટરમાઈન્ડ અને ગુજરાતનો મહાઠઘ એવો વિનય શાહ આખરે નેપાળના પોખરામાંથી ઝડપાઈ ગયો છે. પાસપોર્ટ રજૂ કર્યા વિના તગડું કમિશન આપીને વિદેશી ચલણ એક્સચેન્જ કરાવવા જતા નેપાળ પોલીસે તેની એક હોટલમાંથી ધરપકડ કરી છે. જ્યારે મીડિયા રિપોટ્ર્સ થકી વિનયની અસલિયતની જાણ થતાં નેપાળ પોલીસે આ અંગે ગુજરાત પોલીસને જાણ કરી હતી. ગુજરાત પોલીસની સીઆઈડી ક્રાઈમની એક ટીમ વિનયને લાવવા રવાના થઈ હતી, પ્રત્યાર્પણ સંધિ મુજબ, હવે તેને અમદાવાદ લાવવાની તજવીજ હાથ ધરાઇ છે. કરોડોનો કૌભાંડી વિનય શાહ કાઠમંડુમાં પકડાયો હોવાની જાહેરાત ગુજરાત પોલીસે કરી હતી. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ વાસ્તવમાં વિનયે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હોઈ શકે છે.
કેમ કે અગાઉ આ કૌભાંડમાં સંડાવોયેલી તેની પત્ની ભાર્ગવીએ પત્ર મારફતે ગુજરાત પોલીસ સમક્ષ આત્મસમર્પણની તૈયારી દર્શાવી હતી. તે પત્રમાં પણ ઉલ્લેખ હતો કે વિનય શાહને ગુમ કરાયા છે. આ જોતાં ભાર્ગવી શાહના પત્ર બાદ વિનય શાહે નેપાળ પોલીસ સમક્ષ આત્મ સમર્પણ કર્યું હોઈ શકે છે. ગુજરાત પોલીસના દાવા મુજબ આઇબીના ઈનપુટના આધારે નેપાળ પોલીસ દ્વારા પાર પડાયેલું સંયુક્ત ઓપરેશન છે. વિનયની ધરપકડ કરાઈ ત્યારે તેની પાસેથી એક લેપટોપ, ચાર મોબાઈલ, છ એટીએમ કાર્ડ અને લાખોના મૂલ્યની ફોરેન કરન્સી પણ મળી આવ્યા હતા. નેપાળ પોલીસને ભારતીય પ્રસાર માધ્યમથી ગત તા.૧૦ નવેમ્બરે વિનયની માહિતી મળી હોવાનો દાવો કરાયો છે.
વિનયની ધરપકડ કરી ત્યારે નેપાળ પોલીસે તેની પર ગેરકાયદેસર વિદેશી ચલણ રાખવાનો દાવો કર્યો હતો. વિનય સાથે કાઠમંડુની હોટેલમાંથી ઝડપાયેલી ૨૯ વર્ષીય યુવતીનું નામ ચંદા થાપા હોવાનું અને તે દિલ્હીની એક સ્પામાં કામ કરતી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસ પ્રમાણે ચંદા કાઠમંડુથી વિનયને ગેરકાયદેસર રીતે કરન્સી એક્સચેન્જ કરાવી આપવા પોખરા પહોંચી હતી. વિનય સાથે મળીને ચંદા નેપાળમાં પણ કોઈ પોન્ઝી સ્કીમ ચલાવી રહી હતી કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. હાલ આ બંન્ને પર ગેરકાયદેસર રીતે વિદેશી ચલણ ધરાવવાનો ગુનો લાગ્યો છે. વિનય શાહની નેપાળ પોલીસે રૂ.૧ર લાખની રોકડ સાથે ધરપકડ કરી હતી. નેપાળનું સ્વર્ગ ગણાતા પોખરાવેલીમાં વિનય શાહ રૂ.૧ર લાખની રોકડ રકમ સાથે જતો હતો ત્યારે નેપાળ પોલીસે તેના પર શંકા જતાં તેની અટકાયત કરી હતી. પૂછપરછ દરમ્યાન વિનય શાહ રૂ.ર૬૦ કરોડનો કૌભાંડી હોવાનું બહાર આવતાં નેપાળ પોલીસે તેની ધરપકડ કરી ગુજરાત સીઆઇડીને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ એક લાખ ગ્રાહકોનું ર૬૦ કરોડનું ફુલેકું ફેરવીને ફરાર થઇ ગયા હતા. બીજી તરફ ક્રાઇમ બ્રાંચના વડા જે.કે.ભટ્ટ, પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્રસિંહ રાજપૂત અને તેમના પુત્ર સ્વપ્નીલ રાજપૂત સહિત મીડિયાના કેટલાક રિપોર્ટર પર તોડના આક્ષેપ કરતી વિનય શાહની કથિત સ્યુસાઇડ નોટ સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં લોકોમાં આ ચર્ચાનો વિષય બન્યો હતો. પાલડીના યુનિયન ફ્લેટમાં રહેતા વિનય શાહ અને ભાર્ગવી શાહે વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપની ખોલી હતી. તેઓ કંપનીની આડમાં પાંચ હજારથી લઇને રપ હજાર રૂપિયા સુધીની રકમ ડીપોઝીટ પેટે લેતા હતા. તેઓ ગ્રાહકોને ઓનલાઇન પર જાહેરાતો જોવાનું કહીને તેના બદલામાં ૧૮ ટકા વળતર દર મહિને આપવાનું કહેતા હતા. આ પ્રકારે ઠગ દંપતીએ એક લાખ ગ્રાહકો બનાવીને ર૬૦ કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા. દિવાળીના સમયે કેટલાક ગ્રાહકોએ રૂપિયા આપવાનું કહીને બોલાવ્યા હતા જોકે બન્ને જણાએ કોઇને રૂપિયા નહીં આપતાં પ૦૦ કરતાં વધુ ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. ૧પ કરતાં વધુ લોકો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચીટિંગની ફરિયાદ કરવા માટે ગયા હતા જ્યાં પોલીસે મોડી રાતે વિનય અને ભાર્ગવી સામે ફરિયાદ નોંધી હતી.