મુંબઈ : મુંબઈમાં ૨૬ નવેમ્બર ૨૦૦૮નાં દિવસે ભીષણ આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. કરાચીથી આતંકવાદીઓની ટોળકી દરિયાઈ માર્ગ મારફતે મુંબઈ પહોંચી હતી, ત્યારબાદ મુંબઈની જુદી જુદી જગ્યાઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ૨૬ નવેમ્બરનાં દિવસે આતંકવાદી હુમલો શરૂ કર્યો હતો જે ૨૯ નવેમ્બર સુધી ચાલ્યો હતો. આ હુમલામાં ૧૬૬ લોકોનાં મોત થયા હતાં અને ૩૦૮ લોકો ઘાયલ થયા હતાં. હુમલા પૈકી ૮ હુમલા દક્ષિણ મુંબઈમાં થયા હતાં જેમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ, ઓબેરોય ટ્રાયડન, તાજમહલ પેલેસ, લિયોપોલ્ડ કાફે, કામા હોસ્પિટલ, નરીમાન હાઉસ અને મેટ્રો સિનેમાનો સમાવેશ થાય છે. મજગાંવમાં એક બ્લાસ્ટ થયો હતો, વિલેપાર્લેમાં એક ટેક્સીમાં બ્લાસ્ટ કરાયો હતો.
આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા બાદ તમામ સ્થળોને છોડાવી લેવામાં આવ્યા હતાં. ઓપરેશન બ્લેક ટોર્નાડો હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમાં સેનાનાં જવાનોએ અદ્ભુત પરાક્રમનો પરિચય આપીને તમામ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. જીવતો પકડાયેલ એકમાત્ર ત્રાસવાદી અજમલ કસાબ એવો એકમાત્ર આતંકવાદી હતો જેને જીવતો પકડી લેવામાં આવ્યો હતો. આ આતંકવાદી હુમલાની જવાબદારી લશ્કરે તોયબા દ્વારા લેવામાં આવી હતી. હફીઝ મહોમ્મદ સઈદ મુખ્ય ભેજાબાજ તરીકે હતો. પેરિસમાં હાલમાં કરવામાં આવેલા ભીષણ ત્રાસવાદી હુમલા બાદ મુંબઇના વિનાશકારી હુમલાની યાદ ફરી એકવાર તાજી થઇ ગઇ છે. પેરિસમાં કરાયેલા હુમલામાં મુંબઇ જેવી જ પદ્ધતિ અપનાવવામાં આવી હતી.