કાશ્મીર : ૭૨ કલાકમાં ૧૬ ત્રાસવાદીને ઠાર કરી દેવાયા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

 

 

શ્રીનગર :  જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળો અને સેના હાલમાં ત્રાસવાદીઓને શોધી શોધીને મોતને ઘાટ ઉતારી રહી છે. જેથી આતંકવાદીઓમાં હવે ખળભળાટ મચી ગયો છે અને સ્થાનિક લોકો ઉપર પણ હુમલા કરી રહ્યા છે. છેલ્લા ૭૨ કલાકમાં જ સુરક્ષા દળોએ જુદા જુદા એન્કાઉન્ટરમાં ૧૬ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. આજે બે જગ્યાઓએ અથડામણ થઇ હતી જેમાં ૧૦ ત્રાસવાદીઓ ફૂંકાયા હતા. કુલગામમાં ચાર આતંકવાદીઓ ઠાર થયા હતા જ્યારે સોપિયનમાં છ ત્રાસવાદીઓ ઠાર થયા હતા. અહીં એક જવાને પણ પ્રાણોની આહૂતિ આપી હતી. ત્રાસવાદીઓ હવે સેના સામે નિસહાય દેખાઈ રહ્યા છે. આજે સવારે સેના અને ત્રાસવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી જેમાં મોટી સંખ્યામાં આતંકવાદીને ઠાર કરાયા હતા. સેનાને આજે વધુ એક મોટી સફળતા હાથ લાગી હતી. સોપિયન જિલ્લામાં સુરક્ષા દળોએ છ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આમા એક જવાન પણ શહીદ થયો હતો.

દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના હિપુરા બાટાગુંડ ક્ષેત્રમાં આ અથડામણ થઇ હતી જ્યાં ચાર ત્રાસવાદીઓ ઠાર થયા હતા. ત્રાસવાદીઓની ઓળખ કરી લેવામાં આવી છે. શ્રીનગર સ્થિત સંરક્ષણ પ્રવક્તા લેફ્ટી કર્નલ રાજેશ કાલિયાનું કહેવું છે કે, ઓપરેશનમાં એક જવાન શહીદ થયા હતા. આજ વેળા સોપિયનમાં પણ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને સફળતા મળી હતી. અહીં ઓપરેશન હાથ ધરવામાં આવ્યા બાદ છ ત્રાસવાદીઓ ઠાર થયા હતા. આજે બે જુદી જુદી અથડામણમાં ૧૦ ત્રાસવાદીઓ ઠાર થયા હતા. રાજ્યના અનંતનાગમાં ભીષણ અથડામણમાં છ ત્રાસવાદીઓ ઠાર થયા હતા. સેના અને સુરક્ષા દળો દ્વારા જમ્મુ કાશ્મીરના જુદા જુદા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશન ઓલઆઉટના કારણે હજુ સુધી લશ્કરે તોઇબા અને જૈશે મોહમ્મદના ખૂંખાર ત્રાસવાદીઓ સહિત સેંકડો ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. ત્રાસવાદી સંગઠનોની કમર તોડી દેવામાં આવી છે. સતત મોટી કાર્યવાહી અને મોટી સફળતા સેનાને મળી રહી હોવા છતાં ત્રાસવાદીઓ હજુ સક્રિય રહ્યા છે. અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ મારફતે ઘુસણખોરી કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. પાકિસ્તાની સૈના યુદ્ધવિરામનો ભંગ કરીને સતત ગોળીબાર કરી રહી છે. ગોળીબાર મારફતે ત્રાસવાદીઓને ઘુસાડી દેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

હાલમાં ઘુસણખોરીના પ્રયાસો પાકિસ્તાની ત્રાસવાદીઓએ વધારી દીધા છે જે સંકેત આપે છે કે, આગામી દિવસોમાં મોટા ત્રાસવાદી હુમલા થઇ શકે છે. હજુ પણ પાકિસ્તાનમાં સેંકડો ત્રાસવાદીઓ હાલમાં ઘુસણખોરીની તૈયારીમાં છે. પાકિસ્તાનમાં અંકુશ રેખાની નજીક ટ્રેનિંગ મેળવીને તૈયાર રહેલા ત્રાસવાદીઓ યોગ્ય તકની રાહ ઘુસણખોરી માટે જાઇ રહ્યા છે. આનુ કારણ એે છે કે પાકિસ્તાની સેના યુદ્ધવિરામનો ભંગ કરીને સતત ગોળીબાર કરે છે અને ભારતીય સેનાનુ ધ્યાન ભંગ કરીને તે ત્રાસવાદીઓને ભારતીય સરહદમાં ઘુસાડી દેવાની તેની રણનિતમાં સફળ થઇ જાય છે.ગઇકાલે હુમલામાં એક નાગરિકને પણ ઇજા થઇ હતી.

 

 

 

Share This Article