વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ ગુજરાતની મુલાકાતે પધાર્યા છે ત્યારે ઇઝરાયેલના વડાપ્રધાને ભારતના વડાપ્રધાનને વોટર ડીસેલીનેશન પ્લાન્ટ ધરાવતી મોબાઇલ વાનની અનોખી ભેટ આપી છે. વડાપ્રધાન મોદીએ નેતાન્યાહુનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના સરહદી અને રણ વિસ્તાર સુઇ ગામને મળેલ આ અનોખી ભેટનું વિડીયો કોન્ફરન્સથી બન્ને વડાપ્રધાનશ્રીઓના હસ્તે બનાસકાંઠા જિલ્લાના બોર્ડર વિસ્તારમાં ફરજ બજાવતા બી.એસ.એફ.ના જવાનો માટે લોકાર્પણ કરવામાં આવી છે.
આ વાનની વિશેષતા એ છે કે, દરિયાનું ખારૂ પાણી પ્રતિદિન ૨૦,૦૦૦ લીટર અને તળાવ કે ભરાયેલુ કે નદીમાં વહેતા અશુદ્ધ ૮૦,૦૦૦ લીટર પાણીને પ્રતિદિન શુધ્ધ કરે છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઇઝરાયલની વર્ષ-૨૦૧૭માં મુલાકાત લીધી હતી ત્યારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ આ વાન ચલાવીને બંને મહાનુભાવોએ ઓલગા બીચની સફર કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આ વાન દ્વારા પ્રોસેસીંગ કરીને શુધ્ધ થયેલા પાણીનો ટેસ્ટ પણ કર્યો હતો.
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ ભારતની મુલાકાતે આવ્યા છે ત્યારે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આ વાન ગીફ્ટ કરી છે. આ ગીફ્ટને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સુઇ ગામ વિસ્તારમાં બોર્ડર ઉપર ફરજ બજાવતા બી.એસ.એફ.ના જવાનો માટે લોકાર્પણ કરવામાં આવી છે.