છતરપુર : મધ્યપ્રદેશમાં ઝંઝાવતી ચુંટણી પ્રચાર કરતા મોદીએ આજે કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા. ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા કહ્યું હતું કે કોંગ્રેસ પાસે મોદીનો સામનો કરવાની તાકાત નથી ત્યારે હવે તેમની માતાને ગાળો આપી રહ્યા છે. મોદીએ ઉમેર્યું હતું કે તેઓ છેલ્લા ૧૮ વર્ષથી કોંગ્રેસને પડકાર ફેંકતા રહ્યા છે પરંતુ તેમની સામે ટકરાવવાના બદલે કોંગ્રેસના લોકો તેમની માતાને ગાળો આપવાની કોશિષ કરી રહ્યા છે. માતાને બદનામ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. જે માતાને રાજનીતિના રની પણ માહિતી નથી તે માતાને રાજનીતિમાં ખેંચવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
મોદીએ બોફોર્સ કૌભાંડ અને ભોપાલ ગેસ દુર્ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે કોંગ્રેસને શિવરાજ મામાને ગાળો આપતા પહેલા ક્વાત્રોચી અને એન્ડરસન મામાને પણ યાદ કરી લેવા જાઈએ. છતરપુરમાં રેલીને સંબોધતા મોદીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે તેમની માતાને ગાળો આપવામાં આવ્યા બાદ કોંગ્રેસની હવે જમાનત પણ બચી શકશે નહીં. શિવરાજ મામાને ગાળો આપવામાં આવશે રાજ્યના લોકો હરીફોને જવાબ આપશે. મોદીએ કહ્યું હતું કે પ્રજા જ્યારે શિવરાજસિંહને મામા તરીકે કહે છે ત્યારે કોંગ્રેસને આ ચીજ પસંદ પડતી નથી. તેઓ કંસ મામાને યાદ કરે છે તો પોતાના મામ એન્ડરસન અને ક્વાત્રોચીને કેમ યાદ કરતા નથી. આ લોકોએ સાથે મળીને બોફોર્સ કૌભાંડ કરી દીધું હતું. ભોપાલ ગેસ દુર્ઘટનાના આરોપી એન્ડરસનને ખાસ વિમાનથી દેશ બહાર મોકલી દેવામાં આવ્યા હતા.