નવી દિલ્હી : પાંચ રાજ્યોમાં થઈ રહેલી વિધાનસભા ચૂંટણી અને ૨૦૧૯માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં ઈવીએમની જગ્યાએ બેલેટ પેપર મારફતે મતદાન કરવાની માંગ કરીને દાખલ કરવામાં આવેલી એક જાહેર હિતની અરજીમાં સુપ્રિમ કોર્ટે અસ્વીકાર કરી દીધી છે. સુપ્રિમ કોર્ટનું કહેવું છે કે દરેક વ્યવસ્થામાં ખામીઓ હોવાની આશંકા રહે છે. એનજીઓ ન્યાય ભૂમિ તરફથી વકીલ એ સુભાષરાવ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે ઈવીએમનો દુરૂપયોગ કરવામાં આવી શકે છે. આનો ઉપયોગ કરી શકાય નહીં. અરજીમાં આની જગ્યાએ મતદાનની જુની વ્યવસ્થા એટલે કે બેલેટ પેપર લાવવાની રજુઆત કરવામાં આવી હતી. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈના નેતૃત્વમાં ત્રણ જજની બેચે અરજીને ફગાવી દીધી હતી.
સેજેઆઈએ કહ્યું હતું કે કોઈપણ વ્યવસ્થા અથવા મશીનમાં દુરૂપયોગની આશંકા રહે છે. શંકાઓ દરેક જગ્યાએ હોય છે. બેચના અન્ય બે સભ્યોના જસ્ટીસ કે એમ જાસેફ અને જસ્ટીસ એમ આર શાહ સામેલ હતા. ચુંટણી પંચ દ્વારા અનેક વખત દાવો કરવામાં આવ્યો છે કે ઈવીએમ સંપૂર્ણપણે ફુલ પ્રુફ છે પરંતુ ત્યારબાદ પણ ચુંટણીના સમયે તેના દુરૂપયોગની આશંકાઓ રહે છે. આ વખતે પણ અનેક રાજ્યોમાં વિધાનસભા ચુંટણીથી પહેલા આ મામલો વધુ ગરમ બની ગયો છે. સુપ્રિમ કોર્ટે આ પહેલા તમામ ઈવીએમ માટે વીવીપેટને ફરજિયાત કરવાનો આદેશ કર્યો હતો. ચુંટણી પંચે ખાતરી આપી હતી કે ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં દેશના તમામ બુથ ઉપર વીવીપેટ મશીન મુકવામાં આવશે.
છેલ્લા એક વર્ષમાં વોટરના પેપર ટ્રેલ ચકાસવા માટે વધારાના સમય આપવા માટેની અનેક અરજીઓ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. હાલમાં ઈવીએમ મારફતે વોટ આપ્યા બાદ એક અન્ય બોક્ષમાંથી નિકળનાર પેપર પ્રિન્ટ આઉટ સ્લીપથી વોટરને પોતાના વોટની ચકાસણી કરવા માટે સાત સેકન્ડનો સમય લાગે છે. વિરોધ પક્ષો દ્વારા અરજી દાખલ કરીને સમય મર્યાદા વધારવાની માંગ કરાઈ હતી.