પેશાવર : પાકિસ્તાનમાં આજે કરાંચીમાં ચાઈનિઝ કોન્સ્યુલેટમાં પ્રવેશ કરવા ત્રાસવાદીઓ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાકે સુરક્ષા દળોએ આ હુમલાને નિષ્ફળ બનાવી દીધો હતો. આમાં ત્રણ હુમલાખોરો માર્યા ગયા હતા. આ ઉપરાંત બે પોલીસ કર્મી અને સાત લોકોના મોત પણ થયા હતા. આની સાથે જ આ હુમલામાં કુલ ૧૦ લોકોના મોત થયા હતા. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને બંદર શહેર કરાંચીમાં ચીનના વાણિજ્ય દુતાવાસ પર કરવામાં આવેલા આતંકવાદી હુમલાને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ચીની લોકોમાં દહેશત ફેલાવવા માટે આ હુમલો કરવામાં આવ્યો છે.
ચીની રોકાણકારોમાં ભય ફેલાય અને રોકાણ ન થાય તે માટે આ પ્રકારના હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈમરાને કહ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં જ બંને દેશો વચ્ચે થયેલા કારોબારી કરારના કારણે કરાંચીમાં ચીની મિશનને ટાર્ગેટ બનાવાના પ્રયાસ કરાયા છે. પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું હતું કે આ હુમલો ચીની રોકાણકારોને ભયભિત કરવાના ઈરાદાથી કરવામાં આવ્યો છે. સીપીઈસીને નબળી કરવાના ઉદ્દેશ્યથી હુમલો કરાયો છે. ઈમરાન ખાને ટ્વીટ કરીને કહ્યું હતું કે ચીની વાણિજ્ય દૂતાવાસ ખાતે કરાયેલા હુમલાને નિષ્ફળ કરી દેવામાં આવ્યો છે. પાકિસ્તાન અને ચીનના આર્થિક સંબંધો મજબૂત થઈ રહ્યા છે ત્યારે કાવતરાના ભાગરૂપે આ હુમલો કરવામાં આવ્યો છે પરંતુ આ પ્રકારની ઘટનાઓ પાકિસ્તાન અને ચીન વચ્ચેના સંબંધોને કમજાર કરી શકશે નહીં. પાકિસ્તાનમાં ચીની વાણિજ્ય દૂતાવાસ પાસે ભીષણ હુમલો કરાયો હતો. આમાં બે પોલીસ કર્મી સહિત સાત લોકોના મોત થયા હતા.
આ વર્ષે ચીની અધિકારીઓને ટાર્ગેટ બનાવીને બીજી વખત હુમલો કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં ત્રાસવાદીઓએ ચીનમાં એક શિપીંગ અધિકારીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ચીની અધિકારીઓ સામે વધી રહેલી હિંસા બેજિંગ માટે પણ ચિંતાનો વિષય છે કારણ કે તે પાકિસ્તાનમાં ૬૦ અબજ ડોલરથી વધુની યોજનાઓમાં રોકાણ કરી રહ્યા છે. આશરે ત્રણથી ચાર ત્રાસવાદીઓ એકાએક પહોંચી ગયા હતા અને પોલીસ કર્મચારીઓ ઉપર ગ્રેનેડ ઝીંકવામાં આવ્યા હતા. ત્યારબાદ ગોળીબાર કરાયો હતો. માર્યા ગયેલાઓમાં બે પોલીસ કર્મી સામેલ છે. માર્યા ગયેલા ત્રણ ત્રાસવાદીઓ પૈકી બેની પાસેથી આત્મઘાતી વિસ્ફોટવાળા જેકેટ મળી આવ્યા છે.