અમદાવાદ : મહારાષ્ટ્ર સરકાર દ્વારા મરાઠા જાતિને અનામત આપવાની જાહેરાત બાદ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ સહિત ગુજરાત પાસના ૨૫ કન્વીનર ઓબીસી પંચને મળવા ગયા હતા અને તેમની સમક્ષ અનામત આપવા મુદ્દે રજુઆત કરી હતી. હાર્દિકના આ પ્રયાસને ભાજપની રેશ્મા પટેલે સમર્થન આપ્યું છે. રેશ્માએ કહ્યું કે અનામત મુદ્દે હું પહેલાથી જ પાટીદાર સમાજ સાથે છુ અને હમેશા તેમની સાથે જ રહીશ. બીજીબાજુ, રેશમા પટેલે વિપક્ષના નેતા પરેશ ધાનાણીને પણ પત્ર લખી અનામત મુદ્દે વિધાનસભામાં પ્રાઇવેટ બીલ રજૂ કરવા માંગ કરી હતી. જેને લઇ રેશમા પટેલના વલણને લઇ પાટીદાર સમાજ સહિત ખુદ રાજકીય પક્ષોમાં પણ હવે સવાલો ઉઠી રહ્યા છે.
રેશમા પટેલે આજે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલે આજે ઓબીસી પંચ સમક્ષ અનામત મુદ્દે જે રજુઆત કરી તે પ્રયાસને મારું પૂરું સમર્થન છે. બીજીબાજુ, રેશમા પટેલે કોંગ્રેસને વિધાનસભામાં પ્રાઇવેટ બીલ રજુ કરવા વિપક્ષના નેતા પરેશ ધાનાણીને પત્ર લખ્યો છે. એક સમયે પાસના કન્વીનર તરીકે આક્રમકતા દાખવ્યા બાદ ભાજપમાં જોડાયેલા રેશમા પટેલે ઘણા સમય બાદ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને પત્ર લખ્યો છે. પાટીદાર અનામતના મુદે સક્રિય થઇ રેશમા પટેલે પરેશ ધાનાણીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, પાટીદારોને ઓબીસી અનામતનો લાભ આપવા કોંગ્રેસને બીલ રજુ કરવા વારંવાર કહેવામાં આવ્યું છે.
રેશમાએ કહ્યું કે, કોગ્રેસના પ્રદેશ પ્રમુખને પણ પત્ર લખી ચુકી છું. પરંતુ તે બંને તરફથી હજુ સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. કોંગ્રેસના પ્રવક્તા તેમજ નહિ જાહેર કરાયેલા પ્રવકતાઓ મારી આ વાતનો વિરોધ કરે છે કે, કોંગ્રેસ આ બીલ કેમ રજુ કરે..? રેશમા પટેલે કહ્યું કે મને આજે આંનદ છે કે, હાર્દિક પટેલ દ્ધારા કોંગ્રેસને આ બીલ રાખવાની વાત કરી છે. આ ઉપરાંત હાર્દિક પટેલ દ્ધારા આજે ઓબીસી કમીશનની કરાયેલી મુલાકાત તે મોડા મોડા પણ સાચી દિશાનો પ્રયાસ છે. તેણે કહ્યું કે, પાટીદાર સમાજને અનામત મળવાના મુદ્દે તે પહેલા સાથે હતી અને હમેશા સાથે રહેશે. જયારે કોંગ્રેસ દ્ધારા રેશમા પટેલના આ નિવેદન અંગે પ્રતિભાવ આપતા જણાવાયુ હતુ કે, રેશમા પટેલમાં સમજ જ નથી. કોંગ્રેસ દ્ધારા ગુજરાત ગૃહમાં બીલ રજુ કરવામાં આવેલું જ હતું. પરંતુ ભાજપ સરકાર દ્ધારા તેને ફગાવી દેવામાં આવ્યું હતું.