શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાને ભંગ કરવામાં આવ્યા બાદ આક્ષેપ પ્રતિઆક્ષેપના દોર વચ્ચે રાજકીય ઘમસાણની સ્થિતી જોવા મળી રહી છે. જો કે જમ્મુ કાશ્મીરમાં સરકારની રચના કરવા માટે સાથે આવવા પીડીપી અને એનસીને સરહદ પારથી આદેશ મળ્યો છે તેવા નિવેદનને ભાજપના જનરલ સેક્રેટરી રામ માધવે આજે જોરદાર હોબાળો થયા બાદ અંતે પાછુ ખેંચી લીધુ હતુ. સરકાર રચવા માટે તેમની સુચિત હિલચાલની ઝાટકણી કાઢતા રામ માધવે વધુ આક્રમક બનીને આગામી વિધાનસભાની ચૂંટણી સાથે મળીને લડવા માટે બંને ક્ષેત્રીય પક્ષોને પડકાર ફેંક્યો હતો.
તેમના સુચન બદલ નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા તરફથી કરવામાં આવેલી કઠોર પ્રતિક્રિયા અંગુ પુછવામાં આવતા માધવે કહ્યુ હતુ કે તેઓ તેમના બહારના દબાણના નિવેદનને પરત ખેંચે છે. જમ્મુ કાશ્મીર વિધાનસભાને ભંગ કરવામાં આવ્યા બાદ રાજકીય આક્ષેપબાજીનો દોર વધારે તીવ્ર બની ગયો છે. અગાઉ આજે સવારે ભાજપ નેતા રામ માધવે આક્ષેપ કરતા કહ્યુ હતુ કે નેશનલ કોન્ફરન્સ અને પીડીપીને સરહદ પારથી સરકાર બનાવવા માટેના આદેશ મળ્યા છે. માધવના આ નિવેદન બાદ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લા નારાજ થયા હતા. ઉમરે આ આરોપો સાબિત કરવા માટે રામ માધવને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.
કોંગ્રેસ, એનસી, પીડીપીએ બુધવારના દિવસે રાજ્યમાં મળીને સરકાર બનાવવા માટેનો દાવો કર્યો હતો. જો કે રાજ્યપાલ સત્યપાલ મલિકે વિધાનસભા ભંગ કરી નાંખી હતી. આ ઘટનાક્રમ પર ભાજપના રાષ્ટ્રીય સચિવ રામ માધવે કહ્યુ હતુ કે સરકાર બનાવવા માટે પાકિસ્તાન તરફથી આદેશ મળ્યો હોય તેમ લાગે છે. બીજી બાજુ ઉમર અબ્દુલ્લાએ આરોપો પુરવાર કરવા અથવા તો માફી માંગી લેવા માટે કહ્યુ હતુ. માધવે કહ્યુ હતુ કે આ પાર્ટીઓ રાજ્યમાં અનૈતિક ગઠબંધન કરવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યુ હતુ કે પીડીપી અને એનસી એ પાર્ટીઓ છે જે સ્થાનિક ચૂંટણીનો બહિષ્કાર કરી ચુક્યા છે. તેમને સરહદ પારથી આ પ્રકારથી બહિષ્કાર કરવા માટેની સુચના મળી હતી. રામ માધવે કહ્યું છેકે, સ્થિતિ સુધારવાના પ્રયાસ થઇ રહ્યા છે. બીજી બાજુ લોકોનું એમ પણ કહેવું છે કે, યોજનાપૂર્વક જ કોંગ્રેસ અને એનસી દ્વારા સરકાર પર દબાણ લાવવામાં આવ્યું હતું.