અમદાવાદ : શહેરના ડ્રાઇવઇન રોડ પર હિમાલયા મોલ સામે આવેલા શ્રીજી ટાવરમાં થોડા સમય પહેલાં લાગેલી ભયાનક આગના વિવાદની જવાળાઓ હજુ શાંત નથી થઇ અને આ આગ માટે જેને જવાબદાર ગણી ટાવરના ભોંયરામાં ટાયરની દુકાન ધરાવતાં હેમંત ટાયર્સના માલિકો વિરૂધ્ધ આગના પ્રકરણમાં ફરિયાદ નોંધાઇ હતી, ત્યાં હવે આ જ હેમંત ટાયર્સના માલિકો વિરૂધ્ધ બોગસ શેર સર્ટિફિકેટ અને દસ્તાવેજાના આધારે તત્કાલીન ચેરમેન-સેક્રેટરીની ખોટી સહીઓની મદદથી ભોંયરાની કલબહાઉસની જગ્યા પચાવી પાડવાની એક નવી ફરિયાદ શહેરના વસ્ત્રાપુર પોલીસમથકમાં નોંધાવા પામી છે.
જેના કારણે હવે શ્રીજી ટાવરનો વિવાદ વધુ વકર્યો છે. પોલીસે હેમંત ટાયર્સના માલિકો વિરૂધ્ધ નોંધાયેલી આ નવી ફરિયાદને લઇને હવે તપાસ શરૂ કરી છે. શ્રીજી ટારવમાં જ રહેતાં હીરેનભાઇ રજનીકાંત પટેલ દ્વારા હેમંત ટાયર્સના માલિકો હિતેશભાઇ અશ્વિનભાઇ મિત્તલ અને પરેશભાઇ અશ્વિનભાઇ મિત્તલ વિરૂધ્ધ આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ મુજબ, ફરિયાદી હિરેનભાઇ પટેલ ૨૦૧૬-૧૭થી શ્રીજી ટાવરના સેક્રેટરી તરીકે હોદ્દો ધરાવે છે. શ્રીજી ટાવરમાં કુલ પાંચ ટાવર છે, જેની નીચે કોમર્શીયલ દુકાનો આવેલી છે. જયારે બેઝમેન્ટમાં દુકાન નં-૧ અને ૨માં હેમંત ટાયર્સની દુકાનો આવેલી છે. જે દુકાન અશ્વિન મિત્તલ અને તેમના બે પુત્રો હિતેષ અને પરેશ મિત્તલ ચલાવે છે. જા કે, સોસાયટીના રજિસ્ટર પ્રમાણે, આ દુકાન નં-૧ અને ૨ના માલિક સુશીલકુમારી અશ્વિન મિત્તલ, વાણી હિતેષ મિત્તલ અને અદિતી પરેશ મિત્તલ છે. તેઓ આ બંને દુકાનમાં ટાયર, ટયુબ વગેરેનું વેચાણ કરે છે. ટાવરના આ બેઝમેન્ટનો સોસાયટી કલબ હાઉસ કમ સ્ટોર તરીકે ઉપયોગ કરતી હતી પરંતુ આ દુકાનના માલિકોએ ગેરકાયદેસર રીતે તેનો કબ્જા મેળવી લઇ લીધો હતો.
એટલું જ નહી, બિલ્ડીંગના પ્લાન મુજબ, બેઝમેન્ટમાં પ્રવેશવાનો લીફ્ટ પાસેનો જે દ્વાર હતો, તે ગેરકાયદેસર દિવાલ ચણી બંધ કરી તેમની દુકાનમાંથી ટાવરમાંથી ગેરકાયદેસર રીતે સીધો બેઝમેન્ટમાં પ્રવેશવાનો દરવાજા બનાવી ભોંયરાનો ગેરકાયદે ઉપયોગ ચાલુ કરી દીધો હતો. દુકાનમાં ટાયર, ટયુબ સહિતનો માલ-સામાન હોઇ ટાવરના રહીશોના માલ મિલ્કત અને જાનને જાખમ બની રહે છે અને તાજેતરમાં જ આ દુકાનમાં લાગેલી આગને લઇ પરિસ્થિતિ કેટલી ભયંકર બની હતી તે મામલે સ્થાનિક રહીશોએ ફરિયાદ પણ કરી છે. આ ફરિયાદ બાદ મળેલી સોસાયટીની કમીટીની બેઠકમાં એવી ચોંકાવનારી હકીકત જાણવા મળી હતી કે, વિવાદીત ભોંયરાના કબ્જા આપવાના ઉલ્લેખમાં સોસાયટીના જે તે સમયના સેક્રેટરીની સહી છે પરંતુ વાસ્તવમાં સને ૧૯૯૯થી ૨૦૦૦ દરમ્યાન સોસાયટીમાં રજિસ્ટ્રાર દ્વારા વહીવટદારની નિમણૂંક કરાઇ હતી. આમ, સેક્રેટરીની સહીનો દસ્તાવેજ બનાવટી અને ઉપજાવી કાઢેલો છે. એટલું જ નહી, આ જ પ્રકારે હેમંત ટાયર્સના માલિકોએ સોસાયટીના શેર સર્ટિફિકેટ્સ પણ બોગસ સહીઓના આધારે મેળવી લીધા હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આમ, આ સમગ્ર પ્રકરણમાં આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર તપાસ કરાવવા ફરિયાદી તરફથી માંગ કરાઇ છે. વસ્ત્રાપુર પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.