અમદાવાદ : મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે સમગ્ર દેશમાં યોજાનાર સ્વસ્થ ભારત સાયકલ યાત્રા આગામી તા.૧૮મી નવેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના દાંડી ખાતે પ્રવેશ કરી હાલ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. યાત્રામાં જાડાયેલા ૩૮થી વધુ સાયકલવીરોનું સુરત, નવસારી, વલસાડ સહિતના સ્થળોએ ઠેર-ઠેર ભવ્ય સ્વાગત થઇ રહ્યું છે. તો સાથે સાથે સાયકલવીરો નાગરિકોમાં હેલ્ધી, સ્વચ્છ અને ફોર્ટીફાઈડ ફુડ ખાવા માટે તેમજ ખોરાકનો બગાડ નહી કરવાનો સામાજિક સંદેશો ફેલાવી રહ્યા છે, જેને લઇ નાગરિકોમાં પણ આ મુદ્દે જાગૃતિ અને ઉત્સાહનું વાતાવરણ જામ્યુ છે એમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ઓફ ફુડ સેફ્ટી ડો. એચ.જી.કોશીયાએ જણાવ્યું હતું. કો.કોશીયાએ વધુમાં જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીના જીવન સંદેશમાંથી સ્વસ્થ જીવનની પ્રેરણા લઇ ઇટ રાઇટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત સ્વસ્થ ભારત સાયકલ યાત્રા રાજયના ૧૨ જિલ્લાઓમાંથી પસાર થઇ તા.૧૨મી ડિસેમ્બરના રોજ ઉત્તર ગુજરાતમાં પાલનપુર ખાતેથી પ્રસ્થાન કરી રાજસ્થાન રવાના થશે. ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા અને રાજયના ખોરાક ઔષધ નિયમન તંત્ર દ્વારા ગુજરાતમાં આયોજિત આ યાત્રા દરમ્યાન સમગ્ર રાજયમાં ઇટ રાઇટ ઇન્ડિયા અંગે જનજાગૃતિ સંદેશ ફેલાવવાનું કામ પૂરજાશમાં ચાલી રહ્યું છે.
આ યાત્રાનું તા. ૧૮-૧૧-૧૮ના રોજ મહાત્મા ગાંધીના દાંડી મુકામે પ્રવેશ કરાવી તેનું ભવ્ય સ્વાગત કર્યા બાદ તમામ સાયકલ વીરોને નવસારી કલેક્ટર દ્વારા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા.દરમ્યાન તા.૧૯થી ૨૧ નવેમ્બર દરમ્યાન નવસારી, વલસાડ, સુરત સહિતના સ્થળોએ સ્થાનિક કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલા જાહેર સમારંભમાં ઇટ રાઇટ ઇન્ડિયાના હેતુસર તમામ નાગરીકોને સ્વસ્થ ખોરાક ખાવા માટે, સ્વચ્છ ખોરાક ખાવા માટે તથા ફોર્ટીફાઈડ ફુડ તેમજ ખોરાકનો બગાડ ન કરવા માટે વિગતવાર સમજ નિષ્ણાંતો દ્વારા આપવામા આવેલ હતી. ઉપરાંત આ જાહેર સમારંભમા બ્લડ ડોનેશન કેમ્પ, હેલ્થ ચેકઅપ કેમ્પ તથા હેલ્ધી અને ન્યુટ્રીશન ફુડની વાનગી સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યું હતુ. તે ઉપરાંત જુદી જુદી જગ્યાએ જાહેરજનતોને ઓડીયો વીડીયો દ્વારા ઇટ રાઇટ ઈન્ડિયાના મુદ્દાઓ વિશે સમજ આપવામા આવી હતી.
આજે તા.૨૨મી નવેમ્બરે આ યાત્રા ભરૂચ ખાતે પ્રસ્થાન કરશે તેમા ૩૮ સાઈકલવીરો સાઈકલ યાત્રા કરી ઇટ રાઇટ ઇન્ડિયા અભિયાનનો અનોખો સંદેશો વહેતો કરશે અને આનજનતાને આ મામલે જાગૃત કરશે. રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો.હેમંત જી.કોશીયાએ ઉમેર્યું કે, સ્વસ્થ ભારત સાયકલ યાત્રા ગુજરાતમાં ૨૪ દિવસ દરમ્યાન આ સામાજિક સંદેશો ફેલાવવાનું કામ કરશે. આ સાયકલ યાત્રા દાંડી, ભરૂચ, વડોદરા, ગોધરા, સંતરામપુર, બાલાસિનોર, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠા પાલનપુર સહિતના ૧૨ જિલ્લાઓમાં વિવિધ વિસ્તારોને આવરી લેશે. દેશના વિવિધ રાજયોમાં પરિભ્રમણ કરતી આ સ્વસ્થ ભારત યાત્રા તા.૨૭મી જાન્યુઆરી દેશનું પરિભ્રમણ કરી દિલ્હી પરત ફરશે.