નવી દિલ્હી : અમૃતસરમાં એક ધાર્મિક ડેરા પર રવિવારે થયેલા ગ્રેનેડ હુમલા બાદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે આજે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. અમરિન્દરસિંહે સીધીરીતે આતંકવાદી હુમલો હોવાની આશંકા વ્યક્ત કરી હતી. સાથે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, હુમલાખોરો અંગે તપાસ સંસ્થાઓને મહત્વપૂર્ણ કડીઓ હાથ લાગી છે અને તેમને ટૂંક સમયમાં જ પકડી લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજાસાંસી વિસ્તારમાં નિરંકારી સમાજના કાર્યક્રમ દરમિયાન થયેલા હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા. મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજી કહ્યું હતું કે, અહીં જે બનાવ બન્યો છે તેને અમે ખુબ જ ગંભીરતાપૂર્વક લઇ રહ્યા છે. આ હુમલા અંગે સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.
આ એક આતંકવાદી હુમલોનો મામલો છે. બનાવ અંગે કેટલીક કડીઓ હાથ લાગી છે જેના ઉપર તપાસ ચાલી રહી છે. અમને વિશ્વાસ છે કે, ટૂંક સમયાં જ હુમલાખોરોને પકડી લેવામાં સફળતા મળશે. આ સાથે જ મુખ્યમંત્રીએ વળતરની પણ જાહેરાત કરી હતી. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે કહ્યું હતું કે, આ ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકો હવે સ્વસ્થ છે. ત્રણ બાળકો જે આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી હતી. સાથે સાથે નોકરી આપવાની પણ વાત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, જ્યાં સુધી તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી રાહ જાવા પડશે. ઘુસણખોરી અંગે તપાસ ચાલી રહી છે. પંજાબ પોલીસ એલર્ટ પર છે અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની ટીમ પણ તપાસ કરી રહી છે. હાલ કઇ પણ કહેવું મુશ્કેલ છે. તપાસ બાદ જ સંપૂર્ણ વિગતો બહાર આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.