રાયપુર : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી છે તે છત્તિસગઢમાં વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે આવતીકાલે મતદાન યોજાનાર છે. હાઇવોલ્ટેજ અને હાઇ પ્રોફાઇલ ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસે તમામ તાકાત પ્રચાર દરમિયાન લગાવી દીધી હતી. આવતીકાલે મંગળવારના દિવસે ૧૯ જિલ્લાને આવરી લેતી ૭૨ સીટો પર મતદાન યોજાનાર છે. જેની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં નક્સલવાદીગ્રસ્ત આઠ જિલ્લામાં ૧૨મી નવેમ્બરના દિવસે રેકોર્ડ મતદાન થયા બાદ બીજા અને અંતિમ તબક્કામાં પણ જારદાર મતદાનની શક્યતા દેખાઇ રહી છે. બીજા તબક્કામાં કુલ ૧૧૦૧ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થનાર છે. રાયપુર સીટ સાઉથની સીટ પર સૌથી વધારે ૪૬ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. ૧૫ વર્ષથી સત્તામાં રહેલા ભાજપને ઉખાડી ફેંકવા માટે કોંગ્રેસ પાર્ટીએ તમામ તાકાત લગાવી દીધી હતી.
મતગણતરી ૧૧મી ડિસેમ્બરના દિવસે હાથ ધરવામાં આવનાર છે. બીજા તબક્કાની ચૂંટણીને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. તમામ જગ્યાએ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. કોઇ પણ અનિચ્છનીય બનાવને ટાળવા માટે તંત્ર અને ચૂંટણી પંચ સંપૂર્ણપણે તૈયા છે. હજારોની સંખ્યામાં સુરક્ષા જવાનોને પહેલાથી જ ગોઠવી દેવામાં આવ્યા છે. ગઇકાલે રવિવારના દિવસે છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ચૂંટણી પ્રચારનો અંત આવ્યો હતો. હવે ૧૯ જિલ્લાઓને આવરી લેતા ૭૨ મત વિસ્તારોમાં મંગળવારના દિવસે મતદાન થશે. રવિવારે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પાર્ટીઓએ સંપૂર્ણ તાકાત ઝીંકી દીધી હતી. પ્રથમ તબક્કામાં રેકોર્ડ ઉંચુ મતદાન થયા બાદ બીજા અને અંતિમ તબક્કાના મતદાનને લઇને પણ ઉત્સુકતા વધી ગઈ છે.
માઓવાદીગ્રસ્ત વિસ્તારોમાં પ્રથમ તબક્કામાં રેકોર્ડ ૭૬ ટકાથી વધુ મતદાન પ્રથમ તબક્કામાં આ મહિનાની ૧૨મી તારીખે થયા બાદથી ચૂંટણી પંચ અને સુરક્ષા દળો આ મતદાનના તબક્કાને પણ શાંતિપૂર્ણરીતે પાર પાડવા માટે સજ્જ છે. પ્રચારના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, બહુજન સમાજ પાર્ટી અને અન્ય તમામ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. ૧૮ માઓવાદીગ્રસ્ત મતવિસ્તારોમાં પ્રથમ તબક્કામાં ઉલ્લેખનીયરીતે મતદાન થયું હતું. ભાજપ તરફથી મોદી ઉપરાંત ભાજપ પ્રમુખ અમિત શાહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીયમંત્રી સ્મમૃતિ ઇરાની સહિતના સ્ટાર પ્રચારકોએ ચૂંટણી પ્રચાર કરીને માહોલ પોતાની તરફેણમાં કરવાના પ્રયાસ કર્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજ બબ્બર અને નવજાતસિંહ સિદ્ધૂએ પણ ચૂંટણી પ્રચારમાં ભાગ લઇને પોતાની પાર્ટીની તરફેણમાં મતદાન કરવા લોકોને અપીલ કરી હતી. છત્તીસગઢની સાથે સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મિઝોરમમાં પણ ચૂંટણી યોજાનાર છે. છત્તીસગઢમાં મતદાનના પ્રથમ તબક્કામાં ૧૨મી નવેમ્બરના દિવસે રેકોર્ડ મતદાન થયું હતું.૭૬ ટકાથી વધુ મતદાન થયા બાદ ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર સંપૂર્ણપણે\ સંતુષ્ટ છે. હવે આનાથી પણ ઉંચા મતદાનની ખાતરી કરવા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. મળેલી માહિતી મુજબ આ ૭૨ વિધાનસભા મતવિસ્તારોમાં તમામ મથકો ઉપર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી રહી છે. આવતીકાલે જ્યાં બીજા તબક્કામાં મતદાન થનાર છે તે પૈકી કેટલાક જિલ્લામાં નક્સલવાદીઓની હાજરી રહેલી છે. જેમાં ગરિયાબંદ, કબીરધામ, જશપુર અને બલરામપુરનો સમાવેશ થાય છે.
કેટલાક પ્રમાણમાં જ્યાં નક્સલવાદીઓની હાજરી છે તે વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારે પ્રમાણમાં ગોઠવી દેવામાં આવી છે. આ વખતે ચર્ચાના કેન્દ્રમાં રહેલા પૂર્વ મુખ્યપ્રધાન અજિત જાગી મારવાહી ખાતેથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે તેમના પત્નિ રેનુ કોટાથી ચૂંટણી મેદાનમાં છે. તેમની પુત્રવધુ રિચા જાગી બહુજન સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવાર છે. તે પણ મેદાનમાં છે. માયાવતીના નેતૃત્વમાં બસપ અને જાગીની પાર્ટી અને સીપીઆઇના ગઠબંધનના કારણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા વધારે તીવ્ર કરી દીધી છે.બીજા તબક્કાની ચૂંટણીને લઇને મતદારોમાં ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે. મતદારો તમામના ભાવિનો ફેંસલો કરવા માટે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે.