નવીદિલ્હી : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાનો દોર આજે સતત ચોથા દિવસે જારી રહ્યો હતો. દિલ્હી, કોલકાતા અને મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં ૨૦ પૈસા પ્રતિલીટર સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ચેન્નાઈમાં પેટ્રોલ ૨૧ પૈસા પ્રતિલીટર સસ્તુ થયું હતું. ડીઝલના ભાવમાં દિલ્હી અને કોલકાતામાં વાહન ચાલકોને ૧૮ પૈસા સુધીની રાહત મળી ગઈ છે. મુંબઈ અને ચેન્નાઈમાં આ રાહત ૧૯ પૈસા પ્રતિલીટર સુધીની રહેશે. તમામ મોટા શહેરોમાં રવિવારના દિવસે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અવિરત ઘટાડો કરવામાં આવ્યો હતો. ડીઝલની કિંમતમાં પણ વધુ ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત કરવામાં આવી રહેલા ઘટાડાના પરિણામ સ્વરુપે તેનો સીધો લાભ સામાન્ય લોકોને મળી રહ્યો છે.
ઓક્ટોબર મહિના બાદથી ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થઇ ગયો છે. આ ઘટાડો આશરે ૨૧ ટકાની આસપાસનો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં અવિરત ઘટાડો થતાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. તેલ કિંમતોમાં ઘટાડાના પરિણામ સ્વરુપે વાહન ચાલકોને સતત રાહત મળી રહી છે. ડીઝલની કિંમત ઘટવાથી ચીજવસ્તુઓની અવરજવરને લઇને પણ ખર્ચમાં ઘટાડો થયો છે. જેના લીધે સામાન્ય લોકોને પણ મોંઘવારીથી રાહત મળી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા સપ્તાહમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત ૬૭ ડોલર પ્રતિ બેરલ રહી હતી.
ઓક્ટોબર મહિના બાદથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરવામાં આવે તે પહેલા અવિરત ભાવ વધારાના લીધે લોકોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું અને ભાવ વધારાને લઇને દેશના જુદા જુદા ભાગોમાં તીવ્ર વિરોધ પ્રદર્શન થયા હતા. મોદી સરકાર ઉપર ભાવ વધારાને લઇને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પ્રહાર કર્યા હતા. દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં પેટ્રોલની કિંમત વધીને ૯૧ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. એમ માનવામાં આવી રહ્યું હતું કે, અવિરત ભાવ વધારા વચ્ચે પેટ્રોલ ડીઝલની કિંમત ૧૦૦ રૂપિયાના આંકડાને પાર કરી જશે પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રૂડની કિંમતમાં વૈશ્વિક પરિબળો વચ્ચે ઘટાડાની શરૂઆત થતાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં દેશમાં પણ ઓઇલ કંપનીઓ દ્વારા ઘટાડો કરવાની શરૂઆત કરવામાં આવી છે. દરરોજ સવારે છ વાગે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આના ભાગરુપે આજે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટી હતી.