અમદાવાદ : શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિવિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો પડશે તેમ કહી પઠાણી ઉઘરાણી કરતાં બે શખ્સો વિરુદ્ધમાં સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ છે. સોલા પોલીસે બંને આરોપીઓની ધરપકડ માટેની તજવીજ શરૂ કરી સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી આ બંને શખ્સો દ્વારા પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ચલાવતા યુવક પાસેથી હપ્તાના નામે ખંડણી માગતા હતા. સોલા પોલીસે હાઇકોર્ટ તેમજ ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ બે શખ્સો વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે. નવા વાડજ વિસ્તારમાં આવેલ નંદનવન એપાર્ટમેન્ટમાં રહેતા અને એમ્બ્યુલન્સ ચલાવતા કાર્તિકભાઇ પાટીલે સોલા પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. કાર્તિકભાઇ પહેલાં સોલા સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવતા હતા.
કાર્તિકભાઇનો કોન્ટ્રાક્ટ પૂરો થઇ જતા તેમણે પોતાની પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ખરીદી હતી અને સોલા સિવિલ હોસ્પિટલમાં તેનો ઉપયોગ કરતા હતા. કાર્તિકભાઇ એમ્બ્યુલન્સ હોસ્પિટલની બહાર અથવા અંદર પાર્ક કરતા હતા ત્યારે કરણસિંહ વિહોલ ને લાલભાઇ દેસાઇ સહિતના કેટલાક લોકો તેની પાસે ગયા હતા અને રૂપિયાની માગણી કરી હતી. ફરિયાદી કાર્તિકભાઇના જણાવ્યા અનુસાર તેમની પાસે દર મહિને દસ હજાર રૂપિયાનો હપ્તો માગ્યો હતો. કાર્તિકભાઇ આ મામલે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા માટે ગયા, પરંતુ પોલીસ તેમની ફરિયાદ નહીં લેતાં હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટ તેમજ ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ સોલા પોલીસે બન્ને શખ્સો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.