નવીદિલ્હી : પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે સતત ત્રીજા દિવસે ઘટાડો કરવામાં આવ્યો હતો. આજના ઘટાડાની સાથે જ પેટ્રોલની કિંમતમાં ૧૯-૨૦ પૈસા સુધીનો ઘટાડો થઇ ગયો છે. આવી જ રીતે ડીઝલની કિંમત પણ ૧૯-૨૦ પૈસા સુધી ઘટી ગઇ છે. તેલ કિંમતોમાં હજુ ઘટાડો કરવામાં આવે તેવા સંકેતો છે.જાણકાર લોકોનું કહેવું છે કે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં હજુ કેટલાક દિવસ સુધી ઘટાડો જારી રહી શકે છે. કારણ કે ભારતમાં રીટેઈલ કિંમતોમાં સંપૂર્ણપણે ક્રુડ ઓઈલની કિંમતોમાં હાલનો ઘટાડો પહોંચ્યો નથી. પેટ્રોલ અને ડીઝલની કિંમત ઓલટાઇમ હાઈ સપાટી ઉપર પહોંચી ગઈ હતી. ચોથી ઓક્ટોબરના દિવસે મુંબઈમાં પેટ્રોલની કિંમત લીટરદીઠ ૯૧.૩૪ સુધી પહોંચી હતી ત્યારબાદથી ઘટાડો થઇ રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં છેલ્લે ૧૬મી ઓક્ટોબરના દિવસે વધારો કરાયો હતો ત્યારબાદથી અવિરતપણે ઘટાડો થઇ રહ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા દરરોજ સવારે છ વાગે કિંમતોમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં સરેરાશ ગણતરી કર્યા બાદ આ ઘટાડો કરવામાં આવી રહ્યો છે. ડોલર સામે રૂપિયાની કિંમત અને ક્રૂડની કિંમતને ધ્યાનમાં લઇને આ ઘટાડો કરવામાં આવી રહ્યો છે.
એકબાજુ ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થઇ રહ્યો છે જ્યારે બીજી બાજુ રૂપિયો મજબૂત બની રહ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ઘટાડાના દોર છે છતાં પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં હજુ તેમને લીટરદીઠ એક રૂપિયાનું નુકસાન છે. કરેક્શનનો દોર જારી રહેતા છેલ્લા એક મહિનામાં જ રિટેલ ફ્યુઅલની કિંમતમાં પાંચ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવી ચુક્યો છે.આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલની કિંમતના આધાર પર કિંમતો નક્કી થાય છે. આ મહિનાની શરૂઆત બાદથી તેલ કિંમતો ચાર મહિનાની
ઉંચી સપાટીથી ૧૧ ટકા સુધી ઘટી ગઈ છે. ફ્યુઅલની કિંમતમાં દરરોજના આધાર પર ઘટાડાના દોર ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો ઘટતા ભાવમાં ભારતમાં પણ ઘટાડો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા વૈશ્વિક ક્રૂડની કિંમતમાં ઘટાડો થયા બાદ સામાન્ય લોકોને રાહત આપવા ઓઇલ કંપનીઓને સૂચના આપેલી છે. રીટેઈલ પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ઓકટોબરની ઉંચી સપાટીથી આશરે ૧૦ ટકાથી વધુનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે.આજે શનિવારના દિવસે પેટ્રોલની કિંમત દિલ્હીમાં ઘટીને ૭૬.૯૧ રહી હતી.